જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે ૭૬માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દેશભક્તિ સભર માહોલમાં સંપન્ન થઈ હતી. મેંદરડા પોબારી ગ્રાઉન્ડ ખાતે કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ ધ્વજ વંદન કરી પરેડની સલામી ઝીલી હતી. આ પ્રસંગે કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ જિલ્લાના નાગરિકોને પ્રસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજથી ૭૫ વર્ષ પહેલાં પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. આપણા બંધારણમાં કલ્યાણ રાજ્યની સ્થાપનાનો ઉદ્દેશ રહેલો છે. આ શ્રેષ્ઠ બંધારણ થકી ભારતની પ્રજાસત્તાક લોકશાહી સુદ્રઢ બની છે. ઉત્તમ બંધારણના પરિણામે આપણો દેશ સુરાજ્યના નિર્માણ આગળ વધ્યો છે. આ આપણું ગૌરવ છે. તેમણે વધુમાં કહ્યું કે એક જવાબદાર નાગરિક તરીકે આપણે આપણા કર્તવ્યનું પાલન કરી અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની આપણી ફરજ છે.
તેમણે નાગરિકોને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી તેને રચનાત્મક વિકાસની દિશામાં કામે લગાડી સહિયારા પુરુષાર્થ દ્વારા સર્વાંગી પરિવર્તન સાધવા જણાવ્યું હતું. તેમણે સ્વરાજ્યથી સુરાજ્યની યાત્રાને સાચા અર્થમાં સાકાર કરવા અને આજે ૭૬ માં પ્રજાસત્તાક પર્વ પર સ્વતંત્ર ભારતના જવાબદાર નાગરિક તરીકેની આપણી ભૂમિકા નિભાવી અને રાષ્ટ્રને નવી ઊંચાઈ પર લઈ જવા આહવાન કર્યું હતું.આ પ્રસંગે તેમણે આરઝી હકુમતની લડાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાએ તેનો ભવ્ય વારસો વર્તમાન સમયમાં પણ જાળવીને વિકાસના પથ પર જિલ્લો અગ્રેસર રહ્યો છે. પ્રવાસન, કૃષિ ,આધ્યાત્મિકતા, શિક્ષણ એમ દરેક ક્ષેત્રે જૂનાગઢ જિલ્લાએ વિકાસના નવા ચિન્હો પ્રસ્થાપિત કર્યા છે.પ્રજાસત્તાક પર્વની પરેડનું નેતૃત્વ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.બી ગઢવી એ કર્યું હતું. કલેકટરશ્રીએ પોલીસ, મહિલા પોલીસ, હોમગાર્ડ, જીઆરડી,એસપીસી, માઉન્ટેન પ્લાટુનની સલામી ઝીલી હતી.
આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ,ડોગ શો, અશ્વ શો તેમજ વિવિધ વિભાગમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારી તથા અસાધારણ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓનું સન્માન કલેક્ટરશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓ એ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનાર તમામ વિદ્યાર્થીઓને તેમજ પોલીસ જવાનોને બિરદાવ્યા હતા.આ તકે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર,ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિતીન સાંગવાન, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.એફ. ચૌધરી, મેંદરડા પ્રાંત અધિકારીશ્રી કિશન ગળસર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવાસીયા એ વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર ૪૧ કર્મયોગીઓનું સન્માન કર્યું હતું.
જૂનાગઢ,તા.૨૬ જૂનાગઢ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી મેંદરડા ખાતે યોજાઇ હતી. આ પ્રસંગે વિવિધ વિભાગમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારી તથા અસાધારણ સિદ્ધિ હાંસલ કરનાર ૪૧ વ્યક્તિઓને કલેકટરશ્રી અનિલકુમાર રાણવસિયાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં મહેસુલ, સંગીત, શિક્ષણ, વન વિભાગ, ૧૦૮ ઈમરજન્સી સેવા, આરોગ્ય સેવા, રોડ સેફ્ટી માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
મેંદરડા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં રાસ ગરબા, દેશભક્તિ ગીતની કૃતિઓ રજૂ કરતા વિદ્યાર્થીઓ૭૬મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી મેંદરડા ખાતે કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની પ્રેરક ઉપસ્થિતિમાં થઈ હતી.આ રાષ્ટ્રીય પર્વના પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. જૂનાગઢ જિલ્લાની કુલ ૭ શાળાના વિદ્યાર્થીઓએ રાસ ગરબા, દેશભક્તિ ગીતની વિવિધ કૃતિઓને રજૂ કરી હતી. મેંદરડા ખાતે પ્રાથમિક શાળા, ખોડીયાર ઇન્ટરનેશનલ, સરસ્વતી પ્રાથમિક શાળા, આલ્ફા વિદ્યા સંકુલ જૂનાગઢ, વ્યંકટેશ વિદ્યામંદિર, એમ.જી.ભુવા, આલ્ફા વિદ્યા સંકુલ મેંદરડા ના વિદ્યાર્થીઓએ સુંદર કૃતિ રજૂ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયા હતા.ડોગ શો, અશ્વ શો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મેંદરડા ખાતે યોજાયેલ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં હોર્સ શો અને ડોગ શો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પોલીસ વિભાગ દ્વારા પ્રસ્તુત ડોગ અને અશ્વ શો જોઈને સૈા કોઇ મંત્રમુગ્ધ બન્યા હતા. મેંદરડાના સ્થાનિક લોકો અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)