1.76 કરોડની ગ્રાન્ટ મંજુર છતાં એક વર્ષ બાદ પણ નિર્માણ કાર્ય શરૂ ન થતા રામભક્તોમાં રોષ!

ઉનાઈ:
પવિત્ર યાત્રાધામ ઉનાઈ મંદિરના પરિસરમાં આવેલ ગરમ પાણીના કુંડ પાસે મુછવાળા રામલક્ષ્મણ અને સીતાજીનું અતિ પૌરાણિક મંદિર છે, જે લાંબા સમયથી જર્જરિત અવસ્થામાં છે. મંદિરની છત લાઈટના થાંભલાના ટેકા પર ટકી હોવાના અહેવાલો બહાર આવ્યા હતા.

આ અંગે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગે 1.76 કરોડના ખર્ચે નવા મંદિરનું નિર્માણ કરવા મંજૂરી આપી હતી. ગયા વર્ષે રામનવમીના પાવન દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે મંદિરના ભૂમિપૂજન બાદ રામભક્તોમાં ખુશીની લહેર પ્રસરી હતી.

તેમ છતાં એક વર્ષ વીતી ચૂક્યું, બીજી રામનવમી પણ આવી, પણ મંદિર નિર્માણ શરૂ થયું નથી. bhકાગળ પરની જાહેરાતો જમીની હકીકત બની નથી. હિન્દુ યુવા સંગઠનના યુવાનોએ નવનિયુક્ત વલસાડ-ડાંગના સાંસદને લેખિતમાં રજૂઆત કરી.

સાંસદ ધવલભાઈ પટેલનું નિવેદન:

“આ મુદ્દો યુવાનોએ મારી સામે રજુ કર્યો હતો. મેં ખૂબ ગંભીરતાથી ટ્રસ્ટી મંડળ અને સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી છે. હું વ્યક્તિગત રીતે મંદિરના નિર્માણ કાર્યને ઝડપથી શરૂ કરવા માટે પ્રયત્નશીલ છું. આવતા વર્ષની રામનવમી ભવ્ય નવા મંદિરમાં ઉજવાય, તેવા તમામ પ્રયાસો કરીશ.”

મંદિરના ટ્રસ્ટી રસિકભાઈ ટાંકનું નિવેદન:

“મંદિર અને હોલ માટે ગ્રાન્ટ મંજુર થઈ હતી. હોલનું કામ પૂરું થઈ ગયું છે, પણ ભવ્ય મંદિર માટે ગ્રાન્ટ ઓછી હોવાથી નિર્માણ શરૂ થયું નથી. વધુ ગ્રાન્ટ માટે મુખ્યમંત્રીને દરખાસ્ત મોકલી છે. મંજૂરી મળ્યા બાદ મંદિરનું કામ તુરંત શરૂ થશે. સાંસદે પણ વહેલી તકે નિરાકરણ લાવવા સૂચના આપી છે.”

રામભક્તો અને સ્થાનિક યાત્રાળુઓએ તાત્કાલિક કામ શરૂ કરવાની માગ ઉઠાવી છે, જેથી આવતા વર્ષે રામનવમી ભવ્ય નવનિર્મિત મંદિરમાં ઉજવાઈ શકે.

અહેવાલ: વિશાલ પટેલ, ખેરગામ