16 જૂનના રોજ સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવશે

સોમનાથ
આગામી 16 જૂન ના રોજ જેઠ શુક્લા દશમી પર સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરા મહાપૂજા અને અભિષેક કરવામાં આવનાર છે. જેઠ શુક્લ દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે આ દિવસે ગંગામાતાના દર્શન અને આરતીનું અનેરૂ મહાત્મ્ય છે. આપણી સંસ્કૃતિ નદીઓને માતા નો દરજ્જો આપે છે. પ્રભાસ ક્ષેત્ર માં જ્યાં હિરણ, કપિલા, અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું. શાસ્ત્રોકત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર 16 જૂન ના રોજ ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવશે. ત્રિવેણી સંગમ ખાતે ગંગામાતાની અવતરણ પૂજા કરવામાં આવશે.

ગંગા અવતરણનું તાદશ્ય દ્ર્શ્ય સર્જન કરવા બાળાઓ દ્વારા શિવજીની પ્રતિમા પર ગંગા લહેરી સ્તોત્ર સાથે સતત ગંગાજળ અભિષેક કરવામાં આવશે
નિર્મળ ગંગાજળ કળશમાંથી શિવજીની જટાઓ થકી પૃથ્વી પર પડે અને જલાધારી દ્વારા તે જળ ત્રિવેણીમાં સમાય તેવું ઉત્તમ આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર છે. સાથેજ સંધ્યાકાળે ત્રિવેણી માતાની મહા આરતી કરવામાં આવશે. જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય તેવું શ્રી સોમનાથ ટ્રસ્ટનું ભાવિકોને સહૃદય નિમંત્રણ છે. ભાવિકો એ આરતીમાં જોડાવા માટે ઘરેથી આરતી લઈને આવવા અનુરોધ છે.

અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)