20 વર્ષ જૂના અપહરણ-હત્યા કેસનો આરોપી ઝડપાયો; વાપીમાં ઉદ્યોગપતિના પુત્રની હત્યા કરનાર કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેને અલ્મોડા જેલમાંથી લવાયો..

વલસાડ.

વલસાડ CID ક્રાઈમે વર્ષ 2004ના અપહરણ અને હત્યા કેસમાં વોન્ટેડ આરોપી બંટી પાંડેને અલ્મોડા જેલમાંથી કબજે કર્યો છે. આરોપીએ ઉદ્યોગપતિના દીકરાનું અપહરણ કરી પરિવાર પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.

કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેને ટ્રાન્સફર વોરંટ વડે 24 ફેબ્રુઆરીના રોજ વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બંટી પાંડે છોટા રાજનનો જમણો હાથ ગણાય છે. તેણે કરાચી જઈને ત્રણ વાર દાઉદ ઇબ્રાહિમને મારવાનો પ્રયાસ કર્યો છે.

વાપી કોર્ટે આરોપી પ્રકાશ ચંદ પાંડે ઉર્ફે બંટી પાંડેને IPC કલમ 364A, 365, 384, 302, 201 અને 120B હેઠળ નવસારી જેલમાં મોકલ્યો છે. તેની સામે દેશભરમાં હત્યા, અપહરણ અને ખંડણીના 40થી વધુ કેસ નોંધાયેલા છે.

4 વર્ષ પહેલા જેલવાસ દરમિયાન તેણે સાધુનો વેશ ધારણ કર્યો હતો. વિવિધ કોર્ટોએ તેને અલગ-અલગ ગુનાઓમાં આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં હજુ વિનોદ અને રાજુ ધોબી નામના બે આરોપીઓ વોન્ટેડ છે.

અહેવાલ -વિશાલ પટેલ, ખેરગામ