35 લાખ રૂપિયાનો ડ્રગ્સ કેસમાં પકડાયેલા ગોપાલ ઈટાલિયાએ ટ્વીટર પર લખ્યું, આહીર સંઘવીનો ખાસ મિત્ર.

સુરત :

સુરત એસઓજીએ રૂપિયા 35 લાખના ડ્રગ્સના કેસમાં વીટી ચોક્સી કોલેજના એલએલબીના વિદ્યાર્થી વિકાસ આહીરને પકડ્યો છે. વિકાસ આહીર પોતાના આઈસ્ક્રીમ પાર્લર પર ડ્રગ્સ વેચતો હતો. વિકાસ આહીર યોગી આદિત્યનાથના હિન્દુ સંગઠન સાથે સંકળાયેલો હોવાનો તેમજ ભાજપના ટોચના નેતાઓ સાથે સંબંધ ધરાવતો હોવાની વાતો વહેતી થઈ છે. દરમિયાન વિકાસનો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેનો એક ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ સનસનીખેજ આક્ષેપ કર્યા છે.

રાજસ્થાનથી સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા પેડલર સહિત ત્રણ જણાને સુરત એસઓજીએ ઝડપી પાડ્યા છે, જેમાં એક વિકાસ આહીર ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતો હોવાની ચર્ચા થઈ રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથેના આહીરના સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થયા છે. જોકે, સુરત શહેર પોલીસ કમિશનરે કહ્યુ કે, આ કેસમા હાલ કોઈ રાજકીય કનેકશન સામે આવ્યું નથી એવું જાહેર કર્યું છે. બીજી તરફ આહીરની ધરપકડ બાદ સુરત શહેરમાં રાજકારણ ગરમાયું છે. આપ અને કોંગ્રેસના નેતાઓ ભાજપને ટાર્ગેટ કરવા માંડ્યા છે.

ગોપાલ ઈટાલિયાએ ટ્વીટર પર લખ્યું, આહીર સંઘવીનો ખાસ મિત્ર

આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ મેટા એક્સ (ટ્વિટર)પર ફોટો સાથે લખ્યુ કે, વિધાનસભા 2022ની ચૂંટણી દરમ્યાન હિંદુત્વના નામે મારો વ્યક્તિગત વિરોધ કરવા માટે પચાસ જેટલા ગુંડાઓની ટોળી લઈને “હિન્દુ યુવા વાહિની”ના નામે સુરતમાં મારા ઘરે આવીને હિંસક હુમલો કરનાર નકલી હિન્દુત્વનો ઠેકેદાર અને ચમરબંધી મંત્રી હર્ષ સંઘવીનો ખાસ મિત્ર વિકાસ આહિર નામનો અસામાજિક તત્વ સુરતમાં 50 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે રંગેહાથ પકડાયો. આ ડ્રગ પેડલર વિકાસ આહિર સાથે ડ્રગના ધંધામાં અઝીઝ ખાન તેમજ મહમદ રેહાન તેમજ જાવેદ નામના આરોપીની પણ ધરપકડ થઈ છે. નકલી હિન્દુત્વનો ઝંડો લઈને હિંદુઓનાં છોકરાઓને ડ્રગના રવાડે કોણ ચડાવે છે તેને ઓળખો.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)