51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં થયું ચા- જમવાના નામે મોટું કૌભાંડ

અંબાજી

બનાસકાંઠામાં અંબાજી મંદિરના દાનની રકમમાંથી ભાજપના નેતાઓએ નાસ્તા અને જમવાનો ખર્ચ કર્યો હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. આક્ષેપો મુજબ જમવાની ડીશના રૂ. 1750 અને ચાની ચુસ્કીના રૂ. 720નાં બિલ ઉધારવામાં આવ્યા છે.

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૪નું તારીખ ૧૨-૧૬ ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યો સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ મહાનુભાવોના ભોજન અને ચા-નાસ્તા પેટે ચૂકવવાના થતાં રૂ. ૧૧,૧૨,૩૨૫નું બિલ બનાસકાંઠા કલેક્ટર અથવા સરકારને બદલે દેવસ્થાન ટ્રસ્ટે ચૂકવીને લાખ્ખો માઈભક્તોના દાનનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

જોકે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવને પણ આ બિલની નકલ મોકલવામાં આવી છે. દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ ભાવિક ભક્તજનોએ આપેલા દાનના નાણાંનો દુરૂપયોગ કરે નહીં તેવી ગુજરાતની ધર્મપ્રેમી જનતા વતી માગણી કરાઈ છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અને મીડિયા કોઓર્ડિનેટર હેમાંગ રાવલે RTI થકી મેળવેલી માહિતી ટાંકતા જણાવ્યું કે, આ કાર્યક્રમમાં જમવાનો ખર્ચ માટેના જેમાં હાઈ ટી (ગબ્બર ખાતે) 360 અને હાઈ ટી (સરકીટ હાઉસ ખાતે) 360 સાથે ભોજનના 1704 ભાવ ભરાયો છે જેનો ખર્ચ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટમાંથી ચૂકવવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથેની માહિતી અપાઈ છે.

કોંગ્રેસે આક્ષેપો કર્યા છે કે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને લાખો શ્રદ્ધાળુ પોતાની આસ્થાથી દાન આપી રહ્યા છે, પરંતુ તેમના દાનનો આ પ્રમાણે દૂર ઉપયોગ થઈ રહ્યો છે. ૧૬ માર્ચ ૨૦૨૪ના રોજ ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી હતી, પરંતુ એ પહેલા કોઈ ચૂંટણી ન હતી છતાં ના.ચૂંટણી અધિકારીઓએ કોના આદેશથી ચૂંટણી પંચના લેટરપેડ ઉપર આવા પ્રકારનો વર્ક ઓર્ડર આપ્યો હતો તેવા સવાલો ઉઠાવ્યા છે.

ચૂંટણીનો ખર્ચ કેન્દ્ર અથવા રાજ્ય ચૂંટણી પંચ ચૂકવતું હોય છે ત્યારે ચૂંટણી પંચના લેટર પેડનો દુરૂપયોગ કરીને દેવસ્થાન ટ્રસ્ટને બિલ કોણે અને શા માટે મોકલ્યા? તેવો સવાલ ઉઠાવતા કોંગ્રેસ પ્રવક્તાએ કર્યા છે.

આ અંગે વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીને ટેલિફોનિક પૂછતાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ખર્ચ મંદિર ટ્રસ્ટમાં નથી લેવાયો અને તેના માટે સરકાર ગ્રાન્ટ આપશે તેમાં સરભર કરવા માટેનો જ હુકમ છે. વિરોધ કરવા માટે આ લોકોએ અલગ રીતે ચલાવ્યું છે તેવું જણાવ્યું હતું.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)