90 વર્ષના વૃધ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવનારનો ભાંડો ફૂટ્યો

દેશમાં સતત ડિજિટલ એરેસ્ટના કેસ વધી રહ્યાં છે. ત્યારે 90 વર્ષના સિનિયર સિટીઝનને વિડીયો કોલ કરીને કે પોતે મુંબઈ પોલીસના અધિકારી બોલતા હોવાનું કહીને મુંબઈથી ચાઇના મોકલેલા કુરિયર પાર્સલમાંથી ડ્રગ્સ તેમજ અન્ય વસ્તુ મળી હોવાથી ફરિયાદી પણ મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહીને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તેમજ ઈડીના લોગાવાળા બોગસ લેટરપેડ ફરિયાદીને મોકલી તેમની ધરપકડ કરવાની ધમકી આપી ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી બળજબરીપૂર્વક 1 કરોડ 15 લાખ 50 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવાના ગુનામાં સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 1ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

 

ટેકનોલોજીના યુગમાં પણ ગુનેગારો હવે ડિજિટલ રીતે લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે. પોલીસ દ્વારા સાયબર ક્રાઈમને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. છતાં પણ કેટલાક લોકો સમાજમાં બદનામ થવાના ડરે આવા સાયબર ફ્રોડનો શિકાર બનતા હોય છે. ત્યારે સુરતના એક 90 વર્ષના સિનિયર સિટીઝન ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે. 90 વર્ષના સિનિયર સિટીઝનને સાયબર ફ્રોડ આચરનારા ઈસમોએ ફોન કરીને પોતે CBI, ED, તેમજ મુંબઈ પોલીસના અધિકારી બોલતા હોવાની ખોટી ઓળખ આપીને વૃદ્ધે મુંબઈથી ચાઇના મોકલેલ કુરિયર પાર્સલમાંથી 400 ગ્રામ ડ્રગ્સ તેમજ અન્ય વસ્તુ મળતા મનીલોન્ડ્રિંગનો કેસ થયો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ સાયબર ગઠિયાઓએ સિનિયર સિટીઝનને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તેમજ ઈડીના લોગો વાળા બોગસ લેટર મોકલીને ધરપકડ કરવાની ધમકી આપી હતી અને 15 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કર્યું હતું અને ત્યારબાદ આ કેસમાંથી બચવા માટે અને ઘરના સભ્યોને પણ એરેસ્ટ ન કરવા માટે સિક્યુરિટી ડિપોઝિટ તરીકે ફરિયાદી પાસેથી એક કરોડ 15 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.આ બાબતે સિનિયર સિટીઝ અને 29/10/2024ના રોજ સાયબર સેલના હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ સુરત સાયબર સેલ દ્વારા આ બાબતે વધુ તપાસ કરવામાં આવી હતી. સુરત સાયબર સેલ દ્વારા પૈસા જે બેન્કોમાં ટ્રાન્સફર થયા છે તેની જરૂરી વિગત એકત્રિત કરવામાં આવી હતી અને ત્યારબાદ એકાઉન્ટ નંબરોના આધારે ટેકનિકલ સર્વેલન્સ કરીને સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા પાંચ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.