
પ્રમુખસ્વામી મહારાજના હસ્તે પ્રતિષ્ઠિત થયેલ BAPS સ્વામિનારાયણ મંદિર, અક્ષરવાડી, જૂનાગઢનો ૧૯મો પાટોત્સવ આજે ભક્તિભાવ અને ધાર્મિક ઊલ્લાસ વચ્ચે ધામધૂમથી ઉજવાયો હતો.
સવારના બ્રાહ્મમુહૂર્તમાં ૬:૦૦ વાગ્યે પાટોત્સવ વિધિનો આરંભ થયો હતો, જેમાં વેદમંત્રોચ્ચાર અને સંતોના પાવન સાંનિધ્યમાં મંદિરના ત્રણેય મુખ્ય ગર્ભગૃહોમાં ભગવાન અક્ષરપુરુષોત્તમ મહારાજ, રાધારમણજી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપોને પંચામૃત અને જળથી અભિષેક કરાયો હતો.
હરિભક્તોએ ચાલ મૂર્તિ પર અભિષેક કરીને અનન્ય ભક્તિનો અનુભવ કર્યો. સમગ્ર મંદિરમાં ભક્તિભાવનો માહોલ પ્રસરી ગયો હતો. પાટોત્સવ વિધિ બાદ ભગવાનને વિશાળ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને મહાઆરતી યોજાઇ હતી.
પારંપરિક કાર્યક્રમોની ઝલક:
- વિધિવિધાન સાથે પાટોત્સવ સ્નાન અભિષેક
- અન્નકૂટ ધરાવવામાં આવ્યો
- મહાઆરતીના પવિત્ર દર્શન
- સાંજે સંતો અને હરિભક્તોની મહાપૂજા તથા સત્સંગ સભા
વિશિષ્ટ ઉપસ્થિતિ:
- પૂજ્ય દિવ્યપુરુષ સ્વામી (ગોંડલ)
- પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી (રાજકોટ)
- BAPS ના જામનગર, ધારી, લીંબડી, સુરેન્દ્રનગર તથા ગઢડા મંદિરોના કોઠારી સંતો
- ખાસ સારંગપુરથી પૂજ્ય જ્ઞાનનયન સ્વામી, જેઓએ પાટોત્સવનો આધ્યાત્મિક મહિમા સમજાવ્યો
- અધ્યાત્મ સ્વરૂપ સ્વામી (ગઢડા) દ્વારા પણ પ્રેરણાદાયક ઉપદેશ
સંદેશ:
પૂજ્ય જ્ઞાનનયન સ્વામીએ પાટોત્સવનો મર્મ સમજાવતાં કહ્યું કે, “ભગવાનને આપણા અંતઃકરણમાં સ્થાપવાનો આ અવસર છે, જ્યાં ભક્તિભાવથી હૃદય પવિત્ર કરીને ભગવાનના સાક્ષાત્કારનો અનુભવ થઈ શકે.”
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ