સુરત.
સુરત શહેર સહિત જિલ્લામાં ગાંજાનો સપ્લાય કરનાર મોસ્ટ વોન્ટેડ આરોપી આખરે સુરત પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી ગાંજાનો જથ્થો સુરતમાં સપ્લાય કરનાર મોસ્ટ વોન્ટેડ આરોપી એવા પારડી બંધુઓને સુરત ક્રાઈમબ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઓરિસ્સા જઈને સ્થાનિક પોલીસ અને એસટીએફની મદદ મેળવી આરોપીને ઝડપી પાડ્યા છે.
સ્થાનિક એસટીએફની ટીમની મદદ લઈ મોડી રાત્રે ઝડપી પાડયા
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ આરોપીને પકડવા માટે એક ટીમ બનાવી હતી અને આ ટીમ ગંજામ ઓરિસ્સા ખાતે રવાના થઇ હતી. વધુમાં આરોપીઓ ખુબ જ રીઢા અને તે વિસ્તારમાં તેઓની લોકો ઉપર પકડ હોવાથી આરોપીઓને પકડવા માટે ભુવનેશ્વર એસટીએફ, ગંજામ એસ.પી., છત્રપુર એસડીપીઓ તથા સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી અને એક ટીમ બનાવવામાં આવી હતી અને 22 જાન્યુઆરીના મોડી રાતે 1 વાગ્યાના અરસામાં રેઇડ કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર પથ્થરમારો થયો
પોલીસ ટીમ આરોપીને પકડી ત્યાંથી તેઓને લઈને નીકળે તે પહેલા જ લોકોના ટોળાનો આરોપીઓને છોડાવવા માટે પોલીસની ટીમ ઉપર પત્થરમારો કર્યો હતો. તેમ છતાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ તથા લોકલ પોલીસ અને એસટીએફની ટીમ દ્વારા આરોપીઓને પકડી ત્યાંથી નીકળવામાં સફળ રહી હતી.