સુરતમાં વીજ કંપની DGVCL દ્વારા કરવામાં આવેલી વિધુત સહાયકની નિમણૂક હવે વિવાદમાં આવી છે. આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ભરતી પ્રક્રિયા સામે આક્ષેપ કરવામાં આવ્યા બાદ DGVCLના મેનેજિંગ ડાયરેક્ટર યોગેશ ચૌધરીએ પત્રકારો સમક્ષ નિવેદન આપ્યું હતું.
યોગેશ ચૌધરીએ જણાવ્યું કે હાલ જે પરીક્ષા લેવામાં આવી હતી તે સંપૂર્ણપણે નિયમિત અને પારદર્શક હતી. ઉમેદવારોના ગુણ અને વેટિંગ લિસ્ટના આધારે જ તબક્કાવાર નોકરી આપવામાં આવશે. તેમણે એ પણ ઉમેર્યું કે જે ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે, અને વેટિંગ ક્રમમાં છે તેમને પોસ્ટ ખાલી થતી જાય ત્યાં નોકરી આપવામાં આવશે. કોઈ પણ રીતે ગેરરીતિ કે ભેદભાવ નથી થયો.
આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે AAP અને કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી લઘુમતિઓ સાથે ભેદભાવ અને ભાજપના નજીકના લોકોને પસંદગી આપવાનો આક્ષેપ કર્યો છે. વિરોધ પક્ષોએ સરકારી ભરતી પ્રક્રિયાની તટસ્થ તપાસ કરવાની માંગ પણ ઉઠાવી છે.
હાલ ભરતી પ્રક્રિયા પર પ્રશ્નચિહ્ન ઉભા થયા છે અને ઉમેદવારોમાં પણ અનેક પ્રશ્નો છે. જોકે તંત્રના દાવા અનુસાર સમગ્ર પ્રક્રિયા નિયમો પ્રમાણે ચલાવાઈ રહી છે અને દરેક ઉમેદવારને વેટિંગ લિસ્ટ અનુસાર યોગ્ય તક મળશે.
હવે જોવાનું એ રહેશે કે તંત્રની આ સ્પષ્ટતા બાદ વિપક્ષ અને ઉમેદવારો સંતોષ પામે છે કે नहीं.
અહેવાલ :- સુરજ મિશ્રા (સુરત)