GPSC ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો: AAP નેતા પ્રવીણ રામનો ગંભીર ખુલાસો!

કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા અધિકારીઓ પેનલમાં કેમ? કેટલાક ઉમેદવાર ફેલ, ઓછા માર્ક ધરાવતા ઉમેદવાર પાસ કેમ? – AAPના નેતાઓ GPSC સામે ઉભા થયા

જૂનાગઢ: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ની ઇન્ટરવ્યૂ પદ્ધતિ સામે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા પ્રવીણ રામે ગંભીર આક્ષેપો કર્યા છે. રાજ્યના પ્રદેશ ફ્રંટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ, લીગલ સેલ પ્રમુખ પ્રણવ ઠક્કર અને પ્રવક્તા ડો. કરન બારોટે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે GPSCમાં છેલ્લા સમયગાળામાં ભ્રષ્ટાચાર, ભેદભાવ અને ગેરપારદર્શકતાની ઘટનાઓ વધી રહી છે, જે ગુજરાતના યુવાનો માટે હિતમાં નથી.

પ્રમુખ આક્ષેપો અને પ્રશ્નો:

🔸 કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા અધિકારીઓ ઇન્ટરવ્યૂ પેનલમાં કેમ સામેલ છે?
પ્રવીણ રામે જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીયલ સેફટી હેલ્થ ઓફિસર ક્લાસ 2ના ઇન્ટરવ્યૂ પહેલાં આરએ પટેલ નામના અધિકારી જીસીએચએ સંસ્થામાં મોક ઇન્ટરવ્યૂ લેવા ગયા હતા અને પછી એજ પેનલમાં પણ હતા.

🔸 ફૂડ એન્ડ ડ્રગનો ઇન્ટરવ્યૂ રદ થયો, તો ઇન્ડસ્ટ્રીયલ સેફટીનો કેમ નહિ?
એક જ માપદંડ હોવા જોઈએ એવી માંગ સાથે તેઓએ જણાવ્યું કે બંનેમાં સમાન ન્યાય થવો જોઈએ.

🔸 લેખિતમાં વધુ માર્ક્સ છતાં ઇન્ટરવ્યૂમાં ઓછી કિંમત અને ફેલ કેમ?
વિદ્યાર્થી ચૌધરી વિપુલભાઈએ GPSCમાં 430 માર્ક્સ મેળવ્યા છતાં ઇન્ટરવ્યૂમાં ફક્ત 20 માર્ક્સ મળ્યા જ્યારે UPSCમાં 348મો રેન્ક લાવી બતાવ્યો.

🔸 GPSCના પ્રશ્નપત્રમાં ભૂલ માટે દંડ વિદ્યાર્થીઓ ભરે કેમ?
GPSCનો નવો નિયમ અનુસાર ભૂલ અંગે અરજી કરવા વિદ્યાર્થીઓએ 100 રૂપિયા ચુકવવા પડે છે. “ભૂલ સરકારની હોય તો તેની સજા વિદ્યાર્થીને કેમ?” તેવો સવાલ રામે કર્યો.

🔸 સીસીટીવી કેમેરા બંધ કરવા પાછળ શું રહસ્ય છે?
પ્રવેશ પરીક્ષાઓમાં સીસીટીવી બંધ કરવાના નિર્ણયને રામે શંકાસ્પદ ગણાવ્યો અને જણાવ્યું કે પાર્દર્શિતાની જગ્યા અંધારાવાદે લીધી છે.

આર્ટિકલ 14 અને 16નું ઉલ્લંઘન થતું હોવાનું દાવો:

GPSC દ્વારા ઇન્ટરવ્યૂમાં કરવામાં આવતી અસમાનતાની પ્રક્રિયા **સંવિધાનના આર્ટિકલ 14 (સમાનતા) અને 16 (સરકારી નોકરીઓમાં સમાન તક)**ના ઉલ્લંઘન તરીકે ગણાવી છે.

AAPની મુખ્ય માંગણીઓ:

  1. ઇન્ડસ્ટ્રીયલ સેફટી હેલ્થ ઓફિસરના ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવે.
  2. કોઈ પણ પેનલ મેમ્બર કોચિંગ કે શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ હોય તો પૂર્વ ચકાસણી કરવામાં આવે.
  3. જેઓ એ સંસ્થાઓ સાથે જોડાયેલા છે, તેમના ઉમેદવારોના જ ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવે, બીજાને ન્યાય મળવો જોઈએ.
  4. ઇન્ટરવ્યૂના અંતે પેનલ મેમ્બરનું નામ જાહેર કરવામાં આવે.

પ્રવીણ રામની ચેતવણી:

“જો GPSC તાત્કાલિક અસરકારક અને પારદર્શક પગલાં નહીં ભરે, તો આમ આદમી પાર્ટી યુવાઓના હિત માટે આંદોલનની ઝૂંઝાર લાઇન પર જશે.”


📍 અહેવાલ: જગદીશ યાદવ, જૂનાગઢ