RTE કાયદો બન્યો લાખો બાળકો માટે આશાનું કિરણ, પ્રવેશમાં ઐતિહાસિક વધારો સાથે ગુજરાતે રચ્યું નવું ઇતિહાસ

ગુજરાત: રાજ્યમાં શિક્ષણના હક (RTE) કાયદા હેઠળ છેલ્લા ૧૨ વર્ષમાં શિક્ષણના ક્ષેત્રે ઐતિહાસિક સફળતા મળી છે. વર્ષ ૨૦૧૩માં ફક્ત ૪૩૨ વિદ્યાર્થીઓના પ્રવેશથી શરૂ થયેલી RTE પ્રવેશ પ્રકિયા આજના દિવસ સુધીમાં વધીને વર્ષ ૨૦૨૪-૨૫માં ૯૫,૪૯૪ વિદ્યાર્થીઓ સુધી પહોંચી છે.

રાજ્ય સરકારે ચાલુ શૈક્ષણિક વર્ષથી RTE પ્રવેશ માટેની આવકમર્યાદા વધારીને રૂપિયા ૬ લાખ કરી છે, જેનાથી વધુ બાળકોને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મેળવવાનો અવસર મળશે.

ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બની ગયું છે જ્યાં RTE અંતર્ગત પ્રવેશ મેળવતા બાળકોને દર વર્ષે શિક્ષણ માટે જરૂરી સમાન ખરીદવા માટે રૂ. ૩,૦૦૦ની સહાય DBT મારફતે સીધી જમા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં RTE કાયદા હેઠળ રાજ્યના ૬ લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૧,૦૫૭ કરોડની સહાય આપવામાં આવી છે.

શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોર અને રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ RTE પ્રવેશની આવકમર્યાદા અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં ૧.૨૦ લાખ અને શહેર વિસ્તારમાં ૧.૫૦ લાખ હતી, જે હવે વધારો કરીને રૂ. ૬ લાખ કરવામાં આવી છે.

RTE કાયદો માત્ર વિનામૂલ્યે પ્રવેશનો નહિ પરંતુ ગુજરાતના બાળકોને યોગ્ય શિક્ષણ આપવાનું મહત્વનું ધારાધોરણ સાબિત થયું છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં શાળાઓને કુલ ૩,૭૨૩ કરોડની ગ્રાન્ટ ચુકવી છે જેમાં ફી રીમ્બર્સમેન્ટ માટે રૂ. ૨,૬૬૫ કરોડ તથા વિદ્યાર્થીઓને સહાય માટે રૂ. ૧,૦૫૭ કરોડનો સમાવેશ થાય છે.

RTE પ્રવેશ એ શૈક્ષણિક ક્ષેત્રે સામાજિક સમાનતા તરફનો મજબૂત પગથિયો સાબિત થયો છે. વર્ષ ૨૦૧૩થી રાજ્યમાં RTE અધિનિયમ ૨૦૦૯ના અમલ સાથે દર વર્ષે નબળા અને વંચિત વર્ગના બાળકો માટે ધોરણ-૧માં ખાનગી બિનઅનુદાનિત શાળાઓમાં ૨૫% બેઠકો રાખવામાં આવે છે.

હાલમાં RTE પ્રવેશને લઈ અમુક વાલીઓ પોતાના પસંદગીના શાળાના આગ્રહ, ભાષા માધ્યમની પસંદગી, તેમજ દુરી જેવી નાની બાબતોના કારણે યોગ્ય લાભથી વંચિત રહી જાય છે, જેને લઈ તંત્ર દ્વારા નિયમો અને માર્ગદર્શન સતત આપવામાં આવી રહ્યા છે.

👉 મુખ્ય મુદ્દા:
✔️ RTE કાયદા હેઠળ છેલ્લા ૧૨ વર્ષમાં નોંધપાત્ર વૃદ્ધિ – પ્રવેશ ૪૩૨થી વધીને ૯૫,૪૯૪
✔️ પ્રવેશ માટે આવક મર્યાદા વધારીને રૂ. ૬ લાખ કરાઈ
✔️ શિક્ષણ માટે દર વર્ષે રૂ. ૩,૦૦૦ DBT સહાય ગુજરાતે શરૂ કરી
✔️ અત્યાર સુધીમાં ૬ લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. ૧,૦૫૭ કરોડની સહાય
✔️ અત્યાર સુધી કુલ રૂ. ૩,૭૨૩ કરોડની ગ્રાન્ટ શાળાઓને ચુકવાઈ

📝 અહેવાલ: પ્રકાશ કારાણી – વેરાવળ, સોમનાથ