RTI એક્ટિવિસ્ટના નામે ધમકી આપી બળજબરીથી પૈસા પડાવતી પત્રકાર ટોળકી સામે સુરત પોલીસે કડક કાર્યવાહી, 17 ગુનાઓ દાખલ.

સુરત: RTI એક્ટનો દુરુપયોગ કરી અને બાંધકામ ધમકી આપી બળજબરીથી પૈસા પડાવતી પત્રકાર ટોળકી વિરુદ્ધ સુરત શહેર પોલીસે મોટું મિશન હાથ ધર્યું છે. સુરત મહાનગરપાલિકા કચેરી બહાર બેસી વેપારીઓ, બિલ્ડરો અને અન્ય લોકોને ધમકાવી કાયદેસર બાંધકામ તોડાવી દેવાની ધમકી આપીને પૈસા પડાવતી આ ટોળકી સામે અત્યાર સુધી 17 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.

RTI એક્ટનો દુરુપયોગ કરી બાંધકામ ઉદ્યોગકારો અને વેપારીઓને હેરાન કરનાર ટોળકી ખુલાસે

સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ બાબત પર ગંભીર નોંધ લેતા ક્રાઈમ બ્રાન્ચ અને SOGને તપાસ માટે સૂચના આપી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે કેટલાક શખ્સો પત્રકાર તરીકે છદ્મવેશ ધારણ કરી સુરત મહાનગરપાલિકા કચેરીની બહાર અડ્ડો જમાવતા હતા. RTI એક્ટ હેઠળ ખોટી અરજીઓ કરી, ખોટી હેડલાઇનવાળા સમાચારો છાપી, અને બાંધકામ કરી રહેલા ઉદ્યોગકારો અને બિલ્ડરોને બદનામ કરી તેઓને હેરાન-પરેશાન કરતા હતા.

આ આરોપીઓ બિલ્ડરોને તેમના બાંધકામ તોડાવવાની ધમકી આપી અને મોટા રકમની માગણી કરતા હતા. જો બિલ્ડર કે અન્ય ઉદ્યોગકાર પૈસા ન આપે, તો તેઓના નામે નકારાત્મક સમાચાર છપાવવા અને ખોટી ફરિયાદો દાખલ કરવાની ધમકી આપવામાં આવતી હતી.

આરોપીઓ વિરુદ્ધ 17 ગુનાઓ દાખલ

આ કેસમાં અત્યાર સુધી 17 ગુનાઓ પોલીસ સ્ટેશનોમાં નોંધાયા છે. પ્રથમ તબક્કામાં લાલગેટ, મહિધરપુરા અને અઠવા પોલીસ સ્ટેશનોમાં 13 ફરિયાદો નોંધાઈ હતી. ત્યારબાદ, સુરત શહેર પોલીસ દ્વારા જાહેર અપીલ કરવામાં આવતા વધુ 4 લોકો સામે આવીને ફરીયાદ નોંધાવી હતી.

પોલીસે આ ટોળકીના મુખ્ય આરોપીઓને પકડવા ઝૂંબેશ શરૂ કરી છે:
🔹 સચીન પટેલ (ગુજરાત અસ્મિતા પત્રકાર)
🔹 શાકીબ મુનાફ ઝરીવાલા (ન્યૂઝ સીટી ટુડે)
🔹 રૂબબના મુનાફ ઝરીવાલા (શાકીબની પત્ની)
🔹 રમેશભાઈ કિશનલાલ જાંગીડ (પ્રોફેશનલ ક્રાઈમ ન્યૂઝ પત્રકાર)
🔹 કફરોઝ વાય (ક્રાઈમ ન્યૂઝ પત્રકાર)

પોલીસની સખત કાર્યવાહી – વધુ લોકો આગળ આવે તેવી અપીલ

આ મામલે સુરત શહેરના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, “RTI એક્ટનો દુરુપયોગ કરી લોકો સાથે છેતરપિંડી કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ વ્યકિત આ ટોળકીને ધમકીઓ માટે પીડિત બન્યા હોય, તો તેઓ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે.”

હજુ પણ ઘણા ઉદ્યોગકારો અને બિલ્ડરો સામે આવીને ફરિયાદ કરવાના બાકી છે. પોલીસની ઝૂંબેશ ચાલુ છે અને સુરત મહાનગરપાલિકા કચેરીની બહાર આવા RTI એક્ટિવિસ્ટોના ગેરકાયદેસર ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.

અહેવાલ :- પરવેઝ કુરેશી (સુરત)