SGCCI ના પ્રતિનિધિ મંડળે નવી દિલ્હી ખાતે FICCI AGM દરમ્યાન સુરત શહેરના હદ વિસ્તારમાં આવતી નોન પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રીને રાહત આપવાની રજૂઆત કરી

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વિજય મેવાવાલા, ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસી, તત્કાલીન પૂર્વ પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી નિરવ માંડલેવાલા અને માનદ્ ખજાનચી મૃણાલ શુક્લ તથા ગૃપ ચેરમેન ગિરધર ગોપાલ મુન્દ્રા અને સીએ મિતિષ મોદી તેમજ મેનેજિંગ કમિટીના સભ્ય અમિત શાહ સહિત ૦૮ વ્યક્તિઓના પ્રતિનિધી મંડળે નવી દિલ્હી ખાતે ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)ની વાર્ષિક સાધારણ સભામાં ભાગ લીધો હતો.

આ વાર્ષિક સાધારણ સભામાં ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ભાગ લીધો હતો.

અધિવેશન દરમિયાન ઔદ્યોગિક એસોસિએશનના પ્રશ્નોના પેનલ ડિસ્કશનમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલા અને અન્ય હોદ્દેદારોએ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. ખાસ કરીને હેવી ઈન્ડસ્ટ્રીઝ તેમજ યાર્ન ઉપર BIS લાગવા બાબતે પ્રશ્નોત્તરી કરી હતી. આ ઉપરાંત સુરત શહેરના હદ વિસ્તારમાં આવતી નોન પોલ્યુટેડ ઈન્ડસ્ટ્રી (જેવી કે, સાદા લૂમ્સ, એમ્બ્રોઈડરી, પેપર ટ્રાન્સફર, ડાયમંડ, જરી ઉદ્યોગ વગેરે)ને કે જેને પોતાના વ્યવસાયનો વ્યાપ વધારવો છે, તેને રાહત આપવાની રજૂઆત કરી હતી.