ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ‘અર્ગનોમિક્સની સમસ્યા અને તેનાથી બચવાના ઉપાયો’ વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં ફિઝિયોથેરાપીસ્ટ અને પિલેટ્સ ડો. ભાવિની દિક્ષિતે અર્ગનોમિક્સ સમસ્યા વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ‘આધુનિક યુગમાં કાર્યસ્થળો અને દૈનિક જીવનશૈલીમાં અર્ગનોમિકસની સમસ્યાઓ એક ગંભીર પડકાર રૂપે ઉભરી આવી છે. લાંબા સમય સુધી એકજ સ્થિતિમાં બેસી રહેવું, ખોટી બેસવાની પદ્ધતિઓ અને અનુકૂળ સાધનોના અભાવને કારણે પીઠ, ગરદન અને ઘૂંટણમાં દુખાવાનું પ્રમાણ વધતું જાય છે. આ સમસ્યાઓના ઉકેલ માટે થોડી અવેરનેસ અને થોડા બદલાવ ખૂબ જરૂરી છે. કાર્યસ્થળ પર અર્ગનોમિક્સ ફર્નિચર, જેમ કે યોગ્ય ચેર અને ડેસ્કનો ઉપયોગ કરી શકાય છે. બેસતી વખતે કમરને યોગ્ય ટેકો મળવો જોઈએ અને કમ્પ્યુટર સ્ક્રીન આંખની સપાટીએ હોવી જોઈએ.’
ડો. ભાવિની દિક્ષિતે જણાવ્યું હતું કે, ‘અર્ગનોમિક્સ એટલે તમે જે જગ્યા પર કામ કરો છો, તમે જે રીતે કામ કરો છો અને જેવી રીતે તમારી વર્કપ્લેસ ડિઝાઈન થઈ છે તેને અર્ગનોમિક્સની સમસ્યા કહેવાય છે. તે વધુ સમય બેસીને અથવા ઊભા રહીને કામ કરતા લોકોમાં જોવા મળે છે. વધુ સમય બેસવાનું વર્ક હોય તો 90° ના એંગલમાં બેસવું જોઈએ. દર એક કલાક પછી બે થી પાંચ મિનીટનો બ્રેક લઈ ફિઝીયો એક્સરસાઈઝ કરો. ઓફિસમાં કામ કરતા વ્યક્તિઓ અથવા ઘરે હાઉસ વર્ક કરતી મહિલાઓએ દરેકે ટો સ્ટેન્ડીંગ એક્સરસાઈઝ કરવી જોઈએ.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ૨૦ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા યુવાઓમાં આર્થરાઈટીસની સમસ્યા હોવાના કેસો વધુ સામે આવી રહ્યા છે. ગૃહિણીઓએ કામ કરતા-કરતાં વચ્ચે બ્રેક લેવો જોઈએ. જે કામો બેસીને થઈ શકે છે, તેમને બેસીને કરો. યોગ્ય પ્રકારના ફૂટવેરનો ઉપયોગ કરવો જોઈએ. પ્રતિ બે-ત્રણ વર્ષે શૂઝ ચેન્જ કરવા જ જોઈએ. ફૂટ પેઈનથી બચવા માટે વોર્મ અપ અને કૂલ ડાઉન, સ્ટ્રેચિંગ કરવી. તેમણે કોર મસલ્સ, સ્ક્રીન ગ્લેર એન્ડ આય સ્ટ્રેન વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
ડો. ભાવિની દિક્ષિતે વધુમાં જણાવ્યું હતું કે, કોમ્પ્યુટર અથવા સ્ક્રીન ઉપર વધુ સમય કામ કરતા વ્યક્તિઓએ ૨૦-૨૦-૨૦ મિનીટના નિયમને અપનાવવું જોઈએ. જેમ કે, પ્રતિ ૨૦ મિનિટ પછી ૨૦ ફૂટ દૂર રહેલી વસ્તુને ૨૦ સેકન્ડ જોવી જોઈએ.