SGCCI દ્વારા કેન્દ્રિય બજેટ ઉપર વિશ્લેષણ સેમિનાર યોજાયો.

  • સુરત

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. રપ જુલાઇ ર૦ર૪ના રોજ સાંજે પઃ૩૦ કલાકે કેન્દ્રિય બજેટ ઉપર વિશ્લેષણ માટે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા ટેક્ષ કન્સલ્ટન્ટ તેમજ પ્રેકિટકલ ટેક્ષ પ્લાનિંગના ફાઉન્ડર શ્રી મુકેશ પટેલે કેન્દ્રિય બજેટ ઉપર પોતાનું વિશ્લેષણ રજૂ કર્યું હતું.

SGCCIના પ્રમુખ વિજય મેવાવાલાએ વેબિનારમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારતના માનનીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલાબેન સીતારમણ દ્વારા રજૂ કરાયેલું બજેટમાં નાણાંકીય ખાધને ૪.૦ ટકાની નીચે રાખવાનો અને વર્ષ ર૦ર૬માં ૪ ટકાથી ઓછી કરવાનો પ્રયાસ કરાયો છે. MSME માટે ક્રેડિટ ગેરેન્ટી સ્કીમ પ્લાન્ટ અને મશીનરી ખરીદી માટે રૂપિયા ૧૦૦ કરોડ સુધીની ક્રેડિટ ગેરેન્ટી ફંડની જાહેરાત આવકારદાયક છે. જો કે, બજેટમાં કાપડ ઉદ્યોગ માટે હજી ઘણું કરવાની જરૂર હતી. એકંદરે બજેટ સમાજલક્ષી અને દેશને આત્મ નિર્ભરતા તરફ લઇ જનારું છે.

ટેક્ષ કન્સલ્ટન્ટ મુકેશ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રિય નાણાં મંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટમાં કોર્પોરેટ ટેક્ષ, ભાગીદારી પેઢી અને એલએલપી માટે ટેક્ષ સ્ટ્રકચરમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. એમએસએમઇ માટે ફિઝીકલ ઇન્સેન્ટીવ આપ્યા છે, જે આવકારદાયક છે, પરંતુ આવકવેરા અધિનિયમની કલમ 43B(H) મુજબ ૪પ દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાની અને તેને ખર્ચ તરીકે બાદ નહીં આપવાની જોગવાઇમાં ફેરફાર કરવાની જરૂર હતી. બજેટમાં એમએસએમઇ માટે અમુક વ્યવહારમાં ૧૦૦થી ૧ર૦ દિવસમાં પેમેન્ટ ચૂકવવાની જોગવાઇ કરવી જોઇતી હતી. કારણ કે, ૪પ દિવસમાં જો રૂપિયા નહીં ચૂકવાય તો ટેક્ષનું ભારણ આવશે. આ બાબતે વ્યવહારુ ઉકેલ આવવાની આશા હતી, પરંતુ બજેટમાં તેનો કોઇ ઉકેલ આવ્યો નથી.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)