SGCCI દ્વારા સરસાણા સ્થિત SIECC ખાતે સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦રપ’યોજાશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આગામી તા. ૧૦, ૧૧ અને ૧ર જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦રપ’નું આયોજન કરાયું છે.

SGCCI ના પ્રમુખ વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ ૧૧મું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળે છે. ‘સીટેક્ષ’ એ ખરેખર વિકસિત ભારત %ર૦૪૭ની દિશામાં એક મહત્વનું ડગલું બની રહેશે, જે ટેક્ષ્ટાઇલ ઉત્પાદતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે.

ટેક્ષ્ટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઇ રહી છે. સુરતમાં સીટેક્ષ પ્રદર્શનમાં જાપાનીઝ પ્રિન્ટીંગ સાથેના ૩ર હેડવાળી મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. આ મશીનરી હાલમાં હાઈ ડિમાન્ડ પ્રોડકટીવિટીમાં લેટેસ્ટ ટેકનોલોજી છે. ૩ર હેડવાળી આ મશીનરી આખા ભારતમાં બનારસ ખાતે એક જગ્યાએ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને ત્યારબાદ સુરતમાં ઇન્સ્ટોલ થવા જઇ રહી છે. આ ટેકનોલોજીમાં અત્યાર સુધી ર થી ૧૬ હેડ સુધીની પોઝીશન ડિજિટલ પ્રિન્ટીંગ મશીનરીનો સમાવેશ થતો હતો ત્યારે સુરતમાં પ્રથમ વખત ૩ર હેડવાળી આ મશીનરી પર એમ્બ્રોઇડરી ફેબ્રિક અને વિસ્કોસ જેકાર્ડનું સારી રીતે પ્રોડકશન લઇ શકાશે. ડિજિટલ પ્રિન્ટીંગ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડેશનને કારણે સુરતમાં હવે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને જબરજસ્ત વેગ મળશે.