ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા ગુરૂવાર, તા. પ ડિસેમ્બર, ર૦ર૪ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા, સુરત ખાતે ‘ટેક્ષ્ટાઇલ વીક’નું આયોજન કરવામાં આવ્યું હતું. ટેક્ષ્ટાઇલ વીકના ઉદ્ઘાટન પ્રસંગે પ્રથમ દિવસના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેમજ ફિઆસ્વીના ચેરમેન શ્રી ભરત ગાંધી તથા અતિથિ વિશેષ તરીકે ભારત સરકારના પૂર્વ એડિશનલ ટેક્ષ્ટાઇલ સેક્રેટરી શ્રી સત્ય પ્રકાશ વર્મા અને લુથરા ગૃપના ચેરમેન શ્રી ગિરીશ લુથરાએ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો અને વેપારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલાએ કાર્યક્રમમાં સર્વેને આવકારી જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ વીક એ માત્ર કાર્યક્રમોની શ્રેણી જ નથી, પરંતુ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગના વિઝનરીઝ, નિષ્ણાતો અને સ્ટેક હોલ્ડર્સને એક મંચ પર લાવીને ટેક્ષ્ટાઇલ ક્ષેત્રના ભાવિ માટે વિચાર–વિમર્શ અને માર્ગદર્શક બનાવવાનું પ્લેટફોર્મ છે. ભારતીય ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ પર એક નજર કરીએ તો વર્ષ ર૦ર૩માં ભારતીય ટેક્ષ્ટાઇલ અને ગારમેન્ટ ઉદ્યોગનું મૂલ્ય ૧ર૦ બિલિયન ડોલર હતું અને તે વર્ષ ર૦૩૦ સુધીમાં તેનું મૂલ્ય ૩૦૦ બિલિયન ડોલર સુધી પહોંચે તેવી સંભાવના છે. ભારત વિશ્વના કુલ ટેક્ષ્ટાઇલ વેપારનો ૪.૬ ટકા હિસ્સો ધરાવે છે અને તે નોંધપાત્ર એક્ષ્પોર્ટર છે.
ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેમજ ફિઆસ્વીના ચેરમેન શ્રી ભરત ગાંધીએ જણાવ્યું હતું કે, એમએસએમઇ ઉદ્યોગકારો ભારતના જીડીપીમાં પપ ટકા જેટલું યોગદાન આપી રહયા છે ત્યારે ઇનોવેશન માટે સરકારે નાના યુનિટોને સાથે રાખવા જોઇએ. ટેકનિકલ ટેક્ષ્ટાઇલમાં ૧૯ ટકા જેટલો મોટો ગ્રોથ થઇ રહયો છે ત્યારે ઉદ્યોગ સાહસિકોએ આ તકને ઝડપી ટેકનિકલ ટેક્ષ્ટાઇલની પ્રોડકટ બનાવવાની દિશામાં આગળ વધવું જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી યાર્ન માટે બેઝીક રો મટિરિયલ ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી સરકારે બીઆઇએસ અને કયુસીઓ સર્ટિફિકેટમાંથી ઉદ્યોગકારોને રાહત આપવી જોઇએ.
ભારત સરકારના પૂર્વ એડિશનલ ટેક્ષ્ટાઇલ સેક્રેટરી શ્રી સત્ય પ્રકાશ વર્માએ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને યુરોપિયન યુનિયનના નવા રેગ્યુલેશન વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, યુરોપિયન યુનિયન દ્વારા જે રેગ્યુલેશન લાવવામાં આવી રહયા છે તેની સૌથી પહેલા ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી પર અસર થવાની છે. યુરોપિયન યુનિયન દ્વારા ટેક્ષ્ટાઇલમાં ગારમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ એમએમએફથી આગળ વધવું પડશે. સુરતના ઉદ્યોગકારોએ ગારમેન્ટીંગ પર ફોકસ કરવું પડશે.
તેમણે ઉદ્યોગકારોને યુરોપિયન યુનિયનના રેગ્યુલેશન અંતર્ગત ડયુરેબિલિટી, રિલાયબિલિટી, રિયુઝેબિલિટી, અપગ્રેડેબિલિટી, રિપેરીબિલિટી, વોટર યુઝ એન્ડ એનર્જી એફિશિયન્સી, કાર્બન ફૂટપ્રિન્ટ અને એક્ષ્પેન્ડેટ જનરલ ઓફ વેસ્ટ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. યુરોપિયન યુનિયને કોમ્પ્લાયન્સના શું પેરામીટર્સ હશે તે હજી જાહેર કર્યુ નથી, આથી ઉદ્યોગકારો પાસે એકાદ વર્ષનો સમય છે. આ રેગ્યુલેશન માત્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને નહીં પણ આખા ટ્રેડ માટે લાગુ થવાના છે તેમ તેમણે જણાવ્યું હતું.
લુથરા ગૃપના ચેરમેન શ્રી ગિરીશ લુથરાએ જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ ખૂબ જ સારો છે અને ઉદ્યોગકારો માટે ઘણી તકો છે. ટેકનિકલ ટેક્ષ્ટાઇલમાં સૌથી વધારે તકો છે. આ ઉપરાંત જીઓ ટેક્ષ્ટાઇલ, એગ્રીટેક વિગેરેમાં ઉદ્યોગકારોને ઘણો સ્કોપ છે, પરંતુ વૈશ્વિક માર્કેટને પહોંચી વળવા માટે નાના ઉદ્યોગકારોએ એકત્રિત થવું પડશે. એમએસએમઇનો વર્લ્ડ વાઇડ ગ્રોથનો રેકોર્ડ છે ત્યારે પાંચથી દસ એમએસએમઇએ ભેગા થઇને કામ કરવું પડશે અને પાવર ઓફ વોલ્યુમ બતાવવો પડશે.
ચેમ્બરના જીએફઆરઆરસીના ચેરમેન શ્રી ગિરધર ગોપાલ મુંદડાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા સતત દસ વર્ષથી ટેક્ષ્ટાઇલ વીકનું આયોજન કરવામાં આવી રહયું છે. ટેક્ષ્ટાઇલ એક્ષ્પોર્ટને વધારવા ઉદ્યોગકારો કઇ દિશામાં પ્રયાસ કરી શકે છે તેના માટે ટેક્ષ્ટાઇલ વીક અંતર્ગત યોજાનારા કાર્યક્રમોમાં નિષ્ણાતો દ્વારા ઉદ્યોગ સાહસિકોને મેન્યુફેકચર ગ્રોથ વધારવા માર્ગદર્શન આપવામાં આવે છે.
ચેમ્બરની જીએફઆરઆરસી કમિટીના કો–ચેરમેન શ્રી અમરિષ ભટ્ટે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી મહેન્દ્ર કાજીવાલા દ્વારા દક્ષિણ ગુજરાતના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે કરવામાં આવતી ચેમ્બર ઓફ કોમર્સની વિવિધ પ્રવૃત્તિ વિષે માહિતી આપી હતી. ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી પ્રફુલ્લભાઇ શાહે કાર્યક્રમમાં ઉપસ્થિત ચેમ્બરના પૂર્વ પ્રમુખો, ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો અને વેપારીઓનો આભાર માન્યો હતો. નિષ્ણાત વકતાઓએ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોના વિવિધ સવાલો તથા તેઓને મુંઝવતી બાબતો અંગે સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.