ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, JCI ઇન્ડિયા (ઝોન ૮) તથા ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેઇનીંગ એન્ડ ડેવલપમેન્ટના સંયુકત ઉપક્રમે ‘ટ્રેઇનર્સ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કી–નોટ સ્પીકર તરીકે સુરતના જાણીતા ચીફ પિડીયાટ્રિશ્યન તેમજ નિર્મલ ગૃપ ઓફ હોસ્પિટલ્સના ચેરમેન ડો. નિર્મલ ચોરારિયા તથા નિષ્ણાંત વકતા તરીકે શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્સ પ્રા.લિ.ના ચીફ હયુમન કેપિટલ એન્ડ સસ્ટેનેબિલિટી ઓફિસર ડો. નિરવ મંડિર તથા અમદાવાદથી ખાસ પધારેલા ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ઇમેજ કન્સલ્ટન્ટ્સના ફાઉન્ડર શ્રી ગૌરાંગ મિસ્ત્રીએ સુરતના ટ્રેઇનર્સને વિસ્તૃત જાણકારી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ટ્રેઇનર એટલે માત્ર જ્ઞાન આપનાર વ્યક્તિ નહીં, પરંતુ એ માર્ગદર્શક છે, જે આપણી ક્ષમતાઓને ઓળખી, તેને વિકસાવવાનું કાર્ય કરે છે. ટ્રેઇનર્સ કોન્કલેવ એ એક એવું મંચ છે, જ્યાં વિચારોનું આદાનપ્રદાન થાય છે, નવી પદ્ધતિઓની જાણકારી મળે છે અને તાલીમની ગુણવત્તામાં સુધારો કરવા માટે નવી દિશાઓ જોવા મળે. વિશ્વમાં સતત પરિવતર્ન થઇ રહયું છે ત્યારે ટ્રેઇનર્સ અને મોટીવેટર્સ એ સમાજના ભાવિ નિર્માતાઓ છે. કારણ કે, તેમની અસર માત્ર વ્યક્તિગત વિકાસ સુધી સીમિત હોતી નથી, પરંતુ તે એક સંપૂર્ણ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે છે. મારા મતે, ભગવાન શ્રીકૃષ્ણ સૌથી સારા ટ્રેઇનર્સ છે, જે ભગવદ્ ગીતા થકી દરેકને યોગ્ય જીવન જીવવા માટે દિશાનિર્દેશ કરે છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ મોટીવેટર કહેવાય.