SGCCI દ્વારા ઈન્ડોર સ્ટેડિયમ ખાતે B2C ધોરણે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એકઝીબીશન– ર૦ર૪’યોજાશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આગામી તા. ર૦, ર૧ અને રર ડિસેમ્બર, ર૦ર૪ દરમ્યાન સવારે ૧૧:૦૦થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એકઝીબીશન– ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ચેમ્બરના સ્પાર્કલ એકઝીબીશનનું ઉદ્‌ઘાટન લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઇશા દેઓલના હસ્તે કરવામાં આવશે.ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે જ સ્પાર્કલ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરત ઉપરાંત મુંબઇ, જયપુર, બિકાનેગર અને નાગપુરના ૩૦થી વધુ જ્વેલર્સ દ્વારા ભાગ લેવામાં આવશે. આ તમામ જ્વેલર્સ દ્વારા અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે. સુરતની જ્વેલરીમાં શું વિશેષતા છે તેનો ખ્યાલ સ્પાર્કલના આયોજનથી આખી દુનિયાને આવતો હોય છે.

B2C ધોરણે એકઝીબીશનનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે, સ્પાર્કલ પ્રદર્શનમાં કસ્ટમરને એન્ડ ટુ એન્ડ પ્રોડકટ જોવા મળે છે. સ્પાર્કલ એ જ્વેલરી બ્રાન્ડને પ્રમોટ અને અપડેટ કરવા માટે પ્રેરણારૂપ છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલના આ પ્લેટફોર્મ પરથી જ્વેલરીને એક આયામ સુધી લઇ જવાનો પ્રયાસ કરવામાં આવે છે.ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં NRI તથા શહેરીજનોને લગ્નસરા માટે ખાસ કલેકશન જોવા મળશે. મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લુક સૌથી મહત્વનો ભાગ ભજવે છે. વેડિંગમાં આઉટફિટ સાથે જ્વેલરી સિલેકશન માટે મહિલાઓ ઘણું રિસર્ચ કરે છે, આથી મહિલાઓનું આ રિસર્ચ સ્પાર્કલ પ્રદર્શનમાં એક જ સ્થળે પૂરું થઇ જશે. કારણ કે, જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગ કલેકશનનું અહીં પ્રદર્શન કરાશે, લગ્નસરા ચાલી રહયા છે ત્યારે શહેરીજનો તથા બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચેમ્બર દ્વારા જ્વેલર્સને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.