“અબડાસા ધારાસભ્યનું પત્ર ભાજપ સરકારની નિષ્ફળતાનો પ્રમાણપત્ર છે” – કચ્છ કોંગ્રેસનો આક્રોશ

ભુજ, ૫ મે:

અહેવાલ: નિલેશ ભટ્ટ, ભુજ

અબડાસાના ભાજપ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કચ્છ જિલ્લાના ભૂમાફિયાઓ સામે રાજ્ય સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવી પડવી એ પોતાની સરકારની ઘોર નિષ્ફળતાનું જીવંત દસ્તાવેજ છે — આવું કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને પ્રદેશ મહામંત્રી વી.કે.હુંબલે આજે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે.

કોંગ્રેસે કટાક્ષ કર્યો કે જ્યારે ખુદ ભાજપના ધારાસભ્ય ગરીબોના દબાણ હટાવાની પ્રક્રિયા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા માંગે છે, ત્યારે એ સાબિત કરે છે કે રાજ્ય સરકારે ન તો ગરીબો માટે સહાનુભૂતિ બતાવી છે, ન તો ભૂમાફિયાઓ સામે કડક પગલાં લીધાં છે.

વિશિષ્ટ મુદ્દાઓ:

  • કચ્છમાં ગૌચર અને સરકારી જમીન પર હજારો એકર દબાણ, ખનીજ અને નમક માફિયાઓની સરેરાશે ચાલી રહેલી હેરફેર પર તંત્ર મૌન છે.
  • ધારાસભ્યશ્રીએ જમીન દબાણના મામલે માત્ર પત્ર લખવાથી જવાબદારી પૂરી થઈ ગઈ નથી, પરંતુ તેઓએ તેનો ઘાટ ગાંઠવો પડશે અને વ્યૂહાત્મક અને આક્રમક લડત લડવી પડશે.
  • જો ખરેખર સરકાર ગંભીર છે તો ખેડૂતોના હિતમાં ભૂમાફિયાઓ સામે બુલડોઝર ચલાવવામાં આવે.

કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપના ઘણા નેતાઓ અને સ્થાનિક તંત્રના ટોચના અધિકારીઓ એવી દુષિત પ્રવૃત્તિઓમાં સીધા રીતે સંડોવાયેલા છે. ત્યારે “ક્યારે છૂટશે એ લાજ?” એવો વેધક સવાલ પણ કોંગ્રેસે ઉઠાવ્યો છે.

જાહેર પત્રકારસભામાં કોંગ્રેસે સ્પષ્ટ આહ્વાન કર્યું કે, જો ધારાસભ્યશ્રીએ સાચી નિષ્ઠાથી જવાબદારી નિભાવવી હોય, તો તેઓએ જાહેરમાં ભૂમાફિયાઓના નામ જાહેર કરી રાજકીય અને કાયદાકીય સ્તરે અંતિમ લડાઈ લડવી પડશે, નહીં તો આ નિવેદન માત્ર એક “સસ્તી પ્રસિદ્ધિ”નો પ્રયાસ ગણાશે.