ખેરગામ તાલુકાના આછવણી ગામ ખાતે આવેલું પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિરના આદ્યસ્થાપક ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાની પ્રેરણાથી સતયુગના પ્રથમ દિવસ અવસરે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કાકડકુવા ગામની વિધવા મહિલાઓને ધાબળાનું વિતરણ કરાયું હતું. આ અગાઉ પ્રગટેશ્વર ધામમાં સવારે એકકુંડી યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો.
યજ્ઞાચાર્ય કશ્યપભાઈ જાની તેમજ ચિંતનભાઇ જોષીના માર્ગદર્શનમાં યોજાયેલા આ યજ્ઞમાં અનેક શિવભક્તોએ ઉત્સાહભેર ભક્તિભાવ સાથે ભાગ લીધો હતો.યજ્ઞ બાદ અભિષેક તેમજ આરતી કરવામાં આવી હતી.અને ત્યારબાદ બ્રહ્મભોજન કરાવી તેઓને યથાયોગ્ય દક્ષિણા પણ આપવામાં આવી હતી.આ અવસરે ધર્માચાર્ય પરભુદાદાએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, સતયુગના પ્રથમ દિવસે કરાયેલા દાન-પુણ્યનું સો ગણું ફળ મળે છે.આજે જે ધાબળા વિતરણ કરાયા છે,તે કંઇ કંઇ આપતો નથી તે મને કોઇ દાતા દ્વારા જ આપવામાં આવ્યા છે, તે હું તમને આપવા માટે આવ્યો છું.
આ ધાબળા જેમણે અમને આપ્યા છે,તેમના પરિવારને આ દાનનું અનેકગણું પુણ્ય મળશે. આ અવસરે વલસાડના પૂર્વ સાંસદ કિશનભાઇ પટેલે જણાવ્યું હતું કે,ઠંડીથી રક્ષણ માટે પ્રગટેશ્વરધામ દ્વારા તમને જે ધાબળા આપવામાં આવ્યા છે,એવા અનેક સેવા કાર્યો વિવિધ સ્થળોએ જનસેવા એ જ પ્રભુ સેવા તરીકે કરવામાં આવી રહ્યા છે. પ્રગટેશ્વર ધામ દ્વારા દર વર્ષે દેશના વિવિધ ધાર્મિક સ્થળોએ યજ્ઞો કરી દાન-પુણ્ય કરવામાં આવે છે.આજના ધાબળા વિતરણ કરવા માટે સહયોગ આપનારા કાકડકુવાના પૂર્વ સરપંચ સહિત અન્ય આગેવાનોનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.આ અવસરે પ્રગટ પ્રગટેશ્વરધામ આછવણીના મહિલા પ્રમુખ સીતાબેન પટેલ,ખજાનચી અમિતભાઇ પટેલ, શિવપરિવારના અપ્પુભાઈ પટેલ,વિપુલભાઇ પાંચાલ,પૂર્વ સરપંચ વજીરભાઇ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અરવિંદભાઇ પટેલ, ડે.સરપંચ કિરણભાઇ પટેલ,નિવૃત્ત જમાદાર ખુશાલભાઇ પટેલ સહિત ગ્રામ અગ્રણીઓ અને લાભાર્થી મહિલાઓ હાજર રહયા હતા.
રિપોર્ટ :- અંકેશ યાદવ , (ખેરગામ)