આત્મા પ્રોજેક્ટ હેઠળ જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ.

જૂનાગઢ

રાજ્યના મહત્તમ ખેડૂતો રસાયણયુક્ત કૃષિ છોડી પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન મળી રહે તે માટે પૂરતો સહયોગ છે.

પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતોને માર્ગદર્શન મળી રહે માટે જૂનાગઢ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને દર વર્ષે પ્રાકૃતિક કૃષિ તાલીમ આપવામાં આવે છે. ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે અંગે ગ્રામીણ કક્ષાએ નિઃશુલ્ક તાલીમ યોજવામાં આવે છે.પ્રાકૃતિક કૃષિ અન્વયે રાજય સરકાર દ્વારા ક્લસ્ટર આધારિત તાલીમ અભિયાન હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં જિલ્લમાં પ્રાકૃતિક કૃષિલક્ષી ૩,૧૩૯ ક્લસ્ટર બેઇજ તાલીમો દ્વારા ૬૦,૬૯૫ ખેડૂતોને તાલીમ આપી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

વર્ષ ૨૦૨૪-૨૫ જુલાઈ મહિના સુધીમાં ૯૫૨ તાલીમ દ્વારા ૧૯,૮૭૮ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન મળી રહે તે માટે જુનાગઢ જિલ્લામાં ક્લસ્ટર બેજ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ દ્વારા ખેડૂતોને જમીન તથા પાકના પ્રકારો, આબોહવાકીય વિગતો, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદાન, બીજામૃત, મિશ્ર પાક પદ્ધતિ વગેરે માપદંડો જેવી તાલીમ આપવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ ગાય આધારિત ખેતી હોવાથી ખેડૂતો ગાયોનું પાલન પોષણ કરી શકે છે.

આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિ અપનાવનાર ખેડૂતો પણ સાથે રહી પોતાના અનુભવોમાંથી બીજા ખેડૂતોને માર્ગદર્શિત કરે છે, જેથી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે સમર્થન મળી રહે અને આ અભિગમ ખેડૂતો વચ્ચે જ્ઞાનની વહેંચણી અને સામૂહિક પ્રગતિ સુવિધા આપે છે. જેથી ખેડૂતો વધુને વધુ પ્રાકૃતિક કૃષિ અપનાવે અને સ્વાસ્થ્યનુ સંવર્ધન કરે તે માટે મદદરુપ બની રહે છે. આમ, ખેડૂતોને આત્મા પ્રોજેક્ટ ટીમ દ્વારા ખેડૂતોને સતત જરુરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે, તેમ જૂનાગઢ જિલ્લા આત્મા પ્રોજેક્ટ નિયામકશ્રી દીપક રાઠોડે એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)