આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ-૨૦૨૪”નો સમાપન કાર્યક્રમ અંબાજી ખાતે યોજાશે , કાર્યક્રમના સુચારુ આયોજનને લઇને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

કેન્દ્ર સરકાર દ્વારા બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ચાર સ્થળોએ “આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ – ૨૦૨૪નું આયોજન કરાયું હતું. તા.૨૮ નવેમ્બર ૨૦૨૪થી ઉમરગામ, વલસાડથી શરૂ થયેલા આદિવાસી અમૃત્તકુંભ રથયાત્રાનું સમાપન આગામી તા.૧૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ અંબાજી ખાતે કરાશે. આગામી તા.૧૦ અને ૧૧ ડિસેમ્બરના રોજ બે દિવસીય આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવનું આયોજન હેલિપેડ ગ્રાઉન્ડ, અંબાજી ખાતે કરાશે. સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઇને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે સબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ સમગ્ર કામગીરીનું આયોજન કરાશે જેમાં તા.૧૦ ડિસેમ્બરના રોજ ઇનોગ્રેશન કાર્યક્રમ, સેમિનાર, લાભાર્થીઓને લાભોનું વિતરણ, પ્રદર્શન, ઉદ્દઘાટન અને નિદર્શન તથા સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાશે.

સેમિનાર સત્ર અંતર્ગત લોકોને જનજાતિ ગૌરવ દિવસ અંતર્ગત માહિતી, ડેરી ટેકનોલોજી, સ્કીલ ટ્રેનિંગ ફોર ટ્રાઈબલ યુથ, નેચરલ ફાર્મિંગ વિષય પર માર્ગદર્શન આપવામાં આવશે. જ્યારે ૧૧ ડિસેમ્બરના રોજ બિરસા મુંડાનું જીવન અને યોગદાન, સિકલ સેલ અને એનિમિયા રોગ અંગે જાગૃતિ, રમત ગમત અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ-૨૦૨૪”નું સમાપન કરાશે.

(અહેવાલ :- બ્યુરો,પાલનપુર)