ઉકાઈ ડેમમાં ઉપરવાસથી 6500 ક્યુસેક પાણી આવતા ડેમની સપાટી વધીને 305.40 ફૂટ.

સુરત

ચોમાસાની સિઝનના ચાર મહિના જેના પર શહેરીજનોની સતત નજર મંડરાયેલી રહે છે. તે ઉકાઇ ડેમમાં આજે પાણીની આવક આવવાની શરૃઆત થઇ છે. આ ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ દુસખેડામાં ૧૪.૧૬ ઇંચ, દહીગાવમાં ૧૦.૦૫ ઇંચ, ઘુલીયામાં ૧૦ ઇંચ, બેમ્બુ્રલ માં આઠ ઇંચ, ચીખલધરામાં ૯.૫ ઇંચ સહિત ઉકાઇ થી લઇને ટેસ્કા સુધીના ૫૨ રેઇનગેજ સ્ટેશનમાં ૫૧૫૦ મિ.મિ અને સરેરાશ ૩.૯૬ ઇંચ વરસાદ ખાબકયો છે. આ વરસાદ ઝીંકાતા જ હથનુર ડેમમાં પાણી આવતા દરવાજા ખોલીને ૨ હજાર કયુસેક પાણી છોડાયુ હતુ. ત્યાંથી લઇને ઉકાઇ ડેમ પછીના પ્રથમ પ્રકાશા ડેમમાંથી ૩૫૦૦ કયુસેક પાણી છોડાયુ હતુ.

ઉકાઇ ડેમના કેચમેન્ટના ૫૨ રેઇનગેજ સ્ટેશનમાં સતત વરસાદ વરસતા ચોમાસાની સિઝનમાં સરેરાશ ૩.૯૬ ઇંચ વરસાદની સાથે જ હથનુર ડેમમાંથી ૨ હજાર કયુસેક પાણી છોડાતા આજે સવાર દસના ટકોરે ઉકાઇ ડેમની સપાટી ૩૦૫.૪૦ ફુટ હતી ત્યારે ૬૫૦૦ કયુસેક ઇનફલોથી નવા નીર આવતા ડેમના સતાધીશો સાવધાન સ્થિતિમાં આવી ગયા હતા.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)