ઉદ્યોગપતિઓના દબાણ સામે સરકારનું બુલડોઝર શાંત કેમ? વિધાનસભામાં વિપક્ષનો આક્રમક પ્રહાર!

ગુજરાત વિધાનસભામાં ડિમોલિશનનો મુદ્દો ઉછળતા વિપક્ષે રાજ્ય સરકાર પર ગંભીર આરોપ મૂક્યા. વિપક્ષે સરકારને ઘેરતા કહ્યું કે “જો ગરીબોની ઝૂંપડીઓ હોય તો ત્વરિત કાર્યવાહી થાય, પણ ઉદ્યોગપતિઓ અને મોટા મળતિયાઓના દબાણ સામે સરકારનું બુલડોઝર શાંતું કેમ?”

સરકારી જમીન પર ઉદ્યોગપતિઓના દબાણ: મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં સરકારી જમીન પર અનેક ખાનગી ઉદ્યોગો અને મળતિયાઓએ દબાણ કર્યું છે. મહેસૂલ વિભાગે જણાવ્યા અનુસાર આર્સેલર મિત્તલ નીપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં 8,35,745 ચો.મી. જમીન પર દબાણ કર્યું છે, જે છેલ્લા 30 વર્ષથી યથાવત છે.

વિપક્ષનો આક્ષેપ: વિપક્ષના નેતા અમિત ચાવડાએ આ મુદ્દે સરકાર પર આક્રમક પ્રહાર કરતા જણાવ્યું કે, “ગુજરાતમાં ગરીબોને હટાવવા માટે બુલડોઝર ચલાવવામાં આવે છે, પણ ઉદ્યોગપતિઓ અને ભાજપના મળતિયાઓના દબાણ હટાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે.” તેમણે કહ્યું કે, “સરકાર ગરીબોને બેકાર કરી રહી છે અને ઉદ્યોગપતિઓના દબાણોને નજરઅંદાજ કરી રહી છે.”

આમ, દબાણ હટાવવાની નીતિમાં ભેદભાવ સ્પષ્ટ: ચાવડાએ કટાક્ષ કર્યો કે “દાદાનું બુલડોઝર” ફક્ત ગરીબોના મકાનો પર જ ચાલે છે, ઉદ્યોગપતિઓ અને રાજકીય પૃષ્ઠભૂમિવાળા લોકો પર કેમ નહીં? અમદાવાદ, દ્વારકા, પાલનપુર અને અંબાજીમાં ગરીબોની ઝૂંપડીઓ તોડી પાડવામાં આવે છે, પરંતુ સુરતમાં ઝીંગાના તળાવ અને ઉદ્યોગપતિઓના દબાણો હટાવવામાં સરકાર નિષ્ફળ જાય છે.

વિકલ્પ વિના ગરીબોને ઘરોમાંથી બેહરખા કરાતા પ્રશ્ન: જ્યાં ગરીબોને બુલડોઝર વડે બેહરખા કરવામાં આવે છે, ત્યાં તેમના પુનર્વસન માટે કોઈ જ યોગ્ય વિકલ્પ ઉપલબ્ધ નથી. વિપક્ષે આ મુદ્દે સરકારને આડે હાથે લેતા તુરંત કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. “સરકારને ફક્ત ઉદ્યોગપતિઓ માટે કામ કરવી છે કે તમામ નાગરિકો માટે?” – એવો સવાલ વિપક્ષે ઉઠાવ્યો છે.

હવે જોવાનું એ રહ્યું કે, સરકાર આ મુદ્દે શું જવાબ આપે છે અને ઉદ્યોગપતિઓના દબાણ સામે કોઈ પગલાં ભરે છે કે નહીં!

અહેવાલ :- ગુજરાત બ્યુરો.