ઉના અને વેરાવળમાં બિન અધિકૃત ખનન સામે તંત્રની કરડી કાર્યવાહી, ૬ વાહન ઝડપાયા, દંડની પ્રક્રિયા ચાલુ.

ગીર સોમનાથ જિલ્લાના ઉના અને વેરાવળ તાલુકામાં બિન અધિકૃત રીતે ખનન સામગ્રીના વહન સામે તંત્ર દ્વારા વધુ એક વખત અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય તથા નિવાસી અધિક કલેક્ટર અને ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ કરાયેલી સઘન તપાસમાં કુલ ૬ વાહનો બિન અધિકૃત રીતે ખનિજ માલસામાન વહન કરતી હાલતમાં ઝડપાઈ આવ્યા છે. ઉના તાલુકાના પાસવાળા ગામના નદી પટ્ટ વિસ્તારમાં ફરીયાદ મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન હાલ કોઈ પણ ખનન પ્રવૃતિ જોવા મળી નથી, પરંતુ અગાઉ તા. ૨૯/૦૭/૨૦૨૫ના રોજ ફરીયાદવાળા વિસ્તારમાં બે કેસમાં ૧.૦૧ લાખ રૂપિયાનું દંડ વસૂલવામાં આવ્યો હતો. વધુમાં, આજ તારીખે એટલે કે ૩૧/૦૭/૨૦૨૫ના રોજ સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું જેમાં ઉના તાલુકામાંથી બે અને વેરાવળ તાલુકામાંથી ચાર વાહનો મળી કુલ છ વાહનો બિન અધિકૃત રીતે ખનિજ સામગ્રી વહન કરતા ઝડપાયા હતા. જેમાંથી એક વાહનના માલિક પાસેથી રૂ. ૪૦,૦૦૦ દંડ વસૂલ કરવામાં આવ્યો છે, જ્યારે બાકીના પાંચ વાહનો સામે નિયમોનુસાર દંડ વસૂલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આવી બિન અધિકૃત પ્રવૃતિ સામે ભવિષ્યમાં પણ સઘન ચેકિંગ ચાલુ રહેશે અને નિયમ ભંગ કરનાર સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ.