ઉના શહેરમાં આજે પોલીસ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારના “ફિટ ઈન્ડિયા ફિટનેસ કા ડોઝ – અડધો કલાક રોજ” કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય જાગૃતિ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું. સવારે 06:30 કલાકે ડીવાયએસપી એમ.એફ. ચૌધરીની આગેવાનીમાં ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. રાણા તેમજ ઉના, ગીર ગઢડા, નવાબંદર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ, હોમગાર્ડ, જી.આર.ડી., ટી.આર.બી. તેમજ ઉના એસ.ડી.એમ. અને તેમનો સ્ટાફ, એન.સી.સી. કેડેટ્સ તથા સ્થાનિક નાગરિકો સહિત આશરે 150 જેટલા લોકો હાજર રહ્યા હતા.
યોગા શિક્ષકો દ્વારા વિવિધ આસનો, પ્રાણાયામ અને ફિટનેસ કસરતો કરાવવામાં આવી, જેના દ્વારા લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવી. બાદમાં સવારે 08:00 કલાકે ડીવાયએસપી એમ.એફ. ચૌધરી, સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. રાણા અને ઉના એસ.ડી.એમ. દ્વારા સાઇકલ રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.
યોગા કેન્દ્રથી શરૂ થયેલી આ રેલી ત્રિકોણ બાગ, ટાવર ચોક, એચ.એમ.વી. કોલેજ માર્ગેથી ફરી યોગા કેન્દ્ર પર આવી પૂર્ણ થઈ. આશરે 05 કિલોમીટર લાંબી આ સાઇકલ રેલીમાં 45 જેટલી સાઇકલો સામેલ રહી.
આ કાર્યક્રમનો હેતુ લોકોને નિયમિત વ્યાયામ, યોગા અને સાઇકલિંગ દ્વારા તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો હતો.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ