ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરી સામે તંત્ર સતત કાર્યવાહી કરી રહ્યું છે. તાજેતરમાં ઉના તાલુકાના ચાચકવડ ગામમાંથી ખનન નિયમોના ઉલ્લંઘન સાથે લાઇમ સ્ટોનનો મોટો જથ્થો પાસ પરમીટ વિના ભરીને લઈ જવાતા પકડાયો છે.
આ કાર્યવાહી જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ અને ઉના પ્રાંત અધિકારીના સુચન પર હાથ ધરવામાં આવી હતી. તાલુકા મામલતદાર કચેરીની ટીમે ગીરગઢડા-ધોકડવા રોડ પર ચેકિંગ દરમિયાન ટ્રેક્ટર નંબર GJ32AA-9647 અને GJ32B-9431 અટકાવ્યા હતા. તપાસ કરતા ટ્રેક્ટરમાં કોઈપણ પ્રકારના પાસ પરમીટ સિવાય બિલ્ડિંગ લાઇમ સ્ટોન ભરેલો હોવાનું સામે આવ્યું હતું.
આ બંને ટ્રેક્ટરો, જે ચાચકવડ ગામથી લાઇમ સ્ટોન ભરીને લઈ જઈ રહ્યા હતા, તે તાત્કાલિક જપ્ત કરી આગળની કાર્યવાહી માટે ખાણ ખનિજ વિભાગ, ગીર સોમનાથને સોંપવામાં આવ્યા છે.
તંત્ર તરફથી વધુમાં વધુ અસરકારક રીતે ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરી રોકવા માટે સતત કાર્યવાહી ચાલું રાખવામાં આવશે અને ભવિષ્યમાં આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા સામે કડક પગલાં લેવામાં આવશે તેવી ચીમકી પણ તંત્ર દ્વારા ઉચ્ચારી દેવામાં આવી છે.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ