ઉના તાલુકામાં વહીવટી તંત્રની કાર્યવાહી : મોઠા ગામે ૩ હેક્ટર સરકારી જમીનમાંથી દબાણો દૂર.

ઉના તાલુકાના મોઠા ગામે સરકારી સર્વે નં. ૧૨૮ પૈકીની આશરે ૩ હેક્ટર જેટલી સરકારી જમીન પર લાંબા સમયથી દબાણ કરાયેલા હતા. આ જમીનની બજાર કિંમત આશરે રૂ. ૧૮ લાખ જેટલી થવા જાય છે.

કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન અને સૂચના અનુસાર તા. ૧૬ સપ્ટેમ્બરે વહીવટી તંત્રે પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર હાજરી આપી કાર્યવાહી હાથ ધરી હતી.

આ દરમિયાન અલગ અલગ દબાણદારો દ્વારા ખેતીલાયક કબ્જા કરવામાં આવ્યા હતા તેમજ ખેતી માટે ઢાળીયા, કાટલા અને અન્ય પ્રકારના માળખાં ઉભા કરવામાં આવ્યા હતા. કુલ ૮ દબાણદારો સામે કાર્યવાહી કરીને જમીનમાંથી તમામ દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં.

સરકારી તંત્રની આ કાર્યવાહીથી આશરે ૩ હેક્ટર જેટલી જમીન મુક્ત થતા સરકારની મિલકત સુરક્ષિત થઈ છે. આ કામગીરી દરમિયાન તાલુકા કચેરીના અધિકારીઓ, પોલીસ તંત્ર તેમજ સ્થાનિક વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ