“ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા વિરુદ્ધ ઉઘરાણાના આક્ષેપો સાથે લેટર વાયરલ, પ્રદેશભરમાં રાજકીય ગરમાવો”

ઉપલેટા વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા સામે ગંભીર આક્ષેપો સાથે એક લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વાયરલ લેટરમાં ધારાસભ્યના મળતીયાઓ દ્વારા વિવિધ કચેરીઓમાંથી ઉઘરાણા કરાતા હોવાની વિગતો દર્શાવવામાં આવી છે.

આ લેટરમાં સ્પષ્ટ લખાયું છે કે ધરાસભ્યના સંબંધીયાઓ પોલીસ સ્ટેશન, PGVCAL, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર સહિતના વિભાગોમાંથી હપ્તા વસૂલતા હોવાનો આરોપ છે.

તદુપરાંત, નગરપાલિકાની ચૂંટણીમાં એવા વ્યક્તિઓને ટિકિટ આપવામાં આવી હોવાનું પણ લખાયું છે જેમને ભાજપ સાથે કોઈ સંબંધ ન હોય છતાં કરોડોની લેતીદેતી થઇ છે. છેલ્લા બે વર્ષથી ચીફ ઓફિસર સાથે મળીને નગરપાલિકામાં ભ્રષ્ટાચાર આચરતો હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

આ આરોપો ભાજપ જેવી શિસ્તબંધ પાર્ટી માટે ગંભીર સંકેતરૂપ છે. લેટર વાયરલ થતા સોશિયલ મીડિયા પર ચર્ચા નો તોફાન ઉભું થયું છે અને લોકોમાં આક્ષેપોની સત્યતા વિશે અનેક પ્રશ્નો ઊભા થયા છે. હાલ સુધીમાં ધારાસભ્ય તરફથી આ મામલે કોઈ જાહેર સ્પષ્ટતા આવી નથી.

સંબંધિત તંત્રોએ આ લેટરના આધારે તપાસ હાથ ધરવી જોઈએ એવી લોકોની માંગણી જોર પકડતી જોવા મળી રહી છે.

અહેવાલ: વિમલ સોંદરવા, રાજકોટ