ઓસ્ટ્રેલિયન ઈલેક્ટ્રોનિક બેઝ્ડ કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કરી નફાની લાલચ આપી ખેરગામના યુવાન સાથે છેતરપિંડી!!

ખેરગામ: “લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરતા નથી” એ કહેવત આજે પણ એટલી જ સાચી છે. ઓસ્ટ્રેલિયન ઈલેક્ટ્રોનિક બેઝ્ડ કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કરીને ટેન્ડરીંગ દ્વારા ઊંચો નફો મળશે એવી લાલચ આપી ખેરગામના યુવાન સાથે 50,000 રૂપિયાની છેતરપિંડી થવાની ઘટના પ્રકાશમાં આવી છે.

વસ્તુની વિગતો:

પ્રાપ્ત માહિતી મુજબ ખેરગામ નગરની શ્રીજી રેસ્ટોરન્ટની બાજુમાં આવેલા સીતારામ કોમ્પ્લેક્સના ફ્લેટ નં. ૧માં રહેતા ચેતનકુમાર શુક્કરભાઈ પટેલ (ઉ.વ. ૪૧) નોકરી કરી પરિવારનું ભરણપોષણ કરે છે. ગત તા. ૮/૧/૨૦૨૫ ના રોજ તેઓ ઘરે હાજર હતા. એ દરમિયાન અંજના શ્રીનિવાસ નામની વ્યક્તિ મો. નં. ૭૦૬૩૫૫૬૮૨૫ પરથી વોટ્સએપ મેસેજ મોકલી રોકાણની ઓફર આપી હતી.

અંજના શ્રીનિવાસે ઓસ્ટ્રેલિયન ઈલેક્ટ્રોનિક બેઝ્ડ કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ અને ટેન્ડરીંગથી ઊંચા રિટર્ન મળશે એવું કહી વિશ્વાસમાં લઈને ચેતનકુમારને લિંક મોકલ્યું. સારો નફો મળશે તેવી આશામાં ચેતનભાઈએ એ લિંક ઉપર ક્લિક કરી પોતાના બેન્ક એકાઉન્ટની વિગતો આપી દીધી.

50,000 રૂપિયાની છેતરપિંડી

તા. ૧૦/૦૨/૨૦૨૫ સુધીમાં બંધન બેન્ક, કોટક બેંક અને બેન્ક ઓફ બરોડાના અલગ-अलग એકાઉન્ટમાંથી રૂ. 50,000 ઓનલાઇન ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા. જ્યારે ચેતનભાઈએ નાણાં પરત મળતા નહોતાં, ત્યારે તેમને છેતરપિંડીનો અહેસાસ થયો અને આખો મામલો ખેરગામ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો.

પોલીસ તપાસ શરૂ

આ મામલે તા. ૨૮મી ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. ખેરગામ પોલીસમથકના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.બી.ગામીતે તાત્કાલિક ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આઈ.પી. એડ્રેસ અને બેન્ક એકાઉન્ટના આધારે આરોપીની ઓળખ માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસની ચેતવણી:

પોલીસે લોકોને આ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીથી સાવચેત રહેવા અને અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મોકલાયેલા વોટ્સએપ મેસેજ, ઈમેલ કે લિંક ઉપર ક્લિક ન કરવા અંગે સૂચના આપી છે. આ સાથે જ કોઈપણ રીતે બેન્ક એકાઉન્ટની વ્યક્તિગત માહિતી શેર ન કરવા ચેતવણી આપવામાં આવી છે.

(રિપોર્ટ: અંકેશ યાદવ, ખેરગામ)