કરજણ, તા. ૦૪ જૂન –
વડોદરા જિલ્લાના એસ.પી શ્રી રોહન આનંદની અધ્યક્ષતામાં કરજણ પોલીસ સ્ટેશન ખાતે આજે મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો ઉદ્દેશ બકરી ઈદ તહેવાર તથા તારીખ ૨૨ જૂનના રોજ યોજાનારી ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન કાયદો અને શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવો હતો.
શાંતિ સમિતિની બેઠકમાં કરજણ નગર તેમજ તાલુકાના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન એસ.પી. શ્રી રોહન આનંદે બંને સમુદાયના પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધીને તહેવાર અને ચૂંટણી દરમ્યાન પરસ્પર સહયોગ અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે સહકાર આપવાનો અનુરોધ કર્યો હતો.
એસ.પી. દ્વારા પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવનારી સાવચેતી, પેટ્રોલિંગ, અને જરૂરી બંદોબસ્ત અંગે સમજૂતી આપવામાં આવી હતી તથા અમુક ચોક્કસ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવશે તેવા ઈશારા પણ આપ્યા હતા.
બેઠક દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ પણ તહેવાર અને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ શકે તે માટે પોતાનો સહયોગ આપવા બાબતે ખાતરી આપી હતી.
અહેવાલ : મનોજ દરજી, કરજણ