
કરજણ નેશનલ હાઇવે નંબર 48 પર જીંદાલ ઓવરબ્રિજ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. અજાણ્યા વાહનચાલકે બાઈકને ટક્કર મારતા ઘટનાસ્થળે જ બાઈકસવાર મહિલાનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક સવારીને નાનીમોટી ઈજાઓ પહોંચી છે.
આ ઘટનાની જાણ થતા તરતજ કરજણ 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને કરજણના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયાનું નિશ્ચિત થતાં તેના મૃતદેહને પી.એમ. માટે પણ કરજણ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે.
અકસ્માત પછી ઘટનાસ્થળે કરજણ પોલીસ દોડી આવી હતી. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ હવે વાહન અને ચાલક અંગે માહિતી મેળવી ને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરશે.
અહેવાલ: મનોજ દરજી – કરજણ