ધરમપુર:
ધરમપુર રેંજના કાર્યવિસ્તારમાં આવેલા કાંગવી ગામની આંબાવાડીમાં દીપડીના બે બચ્ચાઓ દેખાતા વનવિભાગે તુરંત કાર્યવાહી શરૂ કરી.
ખેડૂત બિસ્તુભાઈ ભાયજુભાઈ ગાંવિતે 31 માર્ચ, 2025ના રોજ સવારે 10:30 વાગ્યે વનવિભાગને જાણ કરી હતી કે તેઓ કેરીના પાકની મુલાકાતે ગયેલા ત્યારે એક આંબાના ઝાડ પર દીપડીના બે બચ્ચા બેઠેલા નજરે પડ્યા. જેમાંથી એક બચ્ચું સુરક્ષિત રીતે ઝાડ પરથી ઊતરી અને જંગલમાં જતું રહ્યું, જ્યારે બીજું બચ્ચું ત્યાંજ બેસી રહ્યું.
મદદનીશ વન સંરક્ષક રૂચિ દવે અને ધરમપુરના આર.એફ.ઓ. એચ.ડી. પટેલના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટર અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા. દીપડીનું બચ્ચું અંદાજિત 3-4 મહિનાનું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું. વન વિભાગે ટીમ બનાવી અને વન્યપ્રાણીઓની સુરક્ષા જળવાય તે માટે તાત્કાલિક પગલાં લીધાં.
સુત્રો અનુસાર, આસપાસના વિસ્તારના લોકો ભયભીત ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી. ટ્રેપ કેમેરા અને નાઇટ વિઝન કેમેરા લગાવવામાં આવ્યા અને સમગ્ર વિસ્તારમાં રાતભર વોચ રાખવામાં આવી.
અગાઉની રાત્રી પછીની સવારે તપાસ કરતા દીપડીનું બચ્ચું ઝાડ પર કે આસપાસ જોવા મળ્યું નહીં. આજુબાજુના વિસ્તારમાં માતા દીપડી અને બચ્ચાના પગલાંના નિશાન મળી આવ્યા, જેનાથી અનુમાન કરવામાં આવ્યું કે માતા દીપડી પોતાનું બચ્ચું સુરક્ષિત રીતે લઈ ગઈ.
વનવિભાગ દ્વારા ગ્રામજનોને વન્યપ્રાણીઓ અને માનવ સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
અહેવાલ: સુરેશ પરેરા, ધરમપુર