સુરત જિલ્લામાં નેશનલ હાઈવે ઉપર આવેલા કામરેજ ટોલનાકા પર સ્થાનિકો પાસેથી ટોલ લેવામાં આવી રહ્યો છે. સ્થાનિક નાગરીકોના (જી.જે.૦૫ અને જી.જે.૧૯)વાહનોને ટોલટેક્ષમાંથી મુકિત અપાવવાને લઈને વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સુરત શહેર અને જિલ્લાના નાગરિકોના જાહેરહિતમાં કાર્યવાહી કરવા બાબતે આજ રોજ કોંગ્રેસનાં આગેવાનો એને હોદ્દેદારો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. સુરત જિલ્લા અને શહેરી વિસ્તારમાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર કામરેજ ખાતે ટોલનાકુ આવેલું છે. આ કામરેજ ટોલ નાકા પરથી કામરેજ, ઉમરપાડા, માંગરોલ, પલસાણા, ચોર્યાસી, બારડોલી, માંડવી અને ઓલપાડ તેમજ સુરત શહેર એને જિલ્લાના હજારો વાહનો પસાર થાય છે.
આ ટોલનાકા ખાતે વાહનોના ટોલટેક્ષ વસૂલ કરવાનું કામ ખાનગી એજન્સીને આપવામાં આવેલું છે.કામરેજ ટોલનાકા ખાતે કર્મચારીઓ દ્વારા અનેક વાર અવર-જવર કરનાર વાહનચાલકો સાથે દુર્વ્યવહાર થવાના તથા ખોટી રીતે ટોલટેક્ષ વસૂલ થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેથી તેને અટકાવવા માટે કર્મચારીઓને ચોક્કસ ડ્રેસ આપવા જોઈએ અને તેમને શિસ્તબધ્ધ કામગીરી કરવા માટે યોગ્ય ટ્રેનિંગ આપવી જોઈએ.જેથી વાહનચાલકો સાથે દુર્વ્યવહાર થવાના બનાવો બને નહીં.