સુરત :
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના હલદરુ ગામના તરુણનો મૃતદેહ રહસ્યમય રીતે સચિન નહેરમાંથી મળી આવ્યો હતો. શનિવારે કામ પરથી છૂટયા બાદ તે ઘરે પહોંચ્યો ન હતો. જેથી પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. તો બીજી બાજુ રવિવારે સવારે તેનો મૃતદેહ સચિન નહેરમાંથી મળી આવ્યો હતો.
પરિવારજનોને હત્યા થઇ હોવાની શંકા, પોલીસ કહે છે ડૂબી જવાથી મોત થયું છે
સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વતની પ્રદીપ ચોબે હાલ કામરેજના હલદરગામ ખાતે આવેલી પ્રથમ રેસિડેન્સીમાં પત્ની તેમજ બે સંતાન સાથે રહે છે. તે મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 15 વર્ષીય પુત્ર નિવેશ હાલ ધોરણ-9ની પરીક્ષા આપી ધોરણ-10માં આવ્યો હતો. હાલ તેની સ્કૂલમાં વેકેશન ચાલી રહ્યું છે. જેથી તે ઘર નજીક ગેરેજમાં કામ શીખવા માટે જતો હતો. રાબેતા મુજબ તે શનિવારે સવારે સાઇકલ લઈને કામ ઉપર ગયો હતો. ત્યારબાદ કામ પરથી તે ઘરે પરત આવ્યો ન હતો. જેથી પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી.
દરમિયાન રવિવારે સવારે સચિન નજીક મોહિણી ગામના મચ્છી તળાવ પાસે નહેરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી સચિન પોલીસે ઘટના સ્થળે દોડી જઇને તપાસ કરતા તે મૃતદેહ નિવેશનો હોવાનું સામે આવ્યું હતું. બનાવને પગલે સચિન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે બનાવને પગલે નિવેશના પરિવારે હત્યા થઈ હોવાની વાત કરી રહ્યા હતા. પરંતુ પોલીસે પાણીમાં ડૂબી જતાં તેનું મોત થયું હોવાની વાત કરી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે અત્યાર સુધી તેની સાઇકલ મળી આવી નથી.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)