વડોદરા: કરજણ તાલુકાના કંડારી ગામના એક યુવાન સાથે તેના જ પિતરાઈ બહેન અને ભાણિયાએ કેનેડા મોકલવાના બહાને 2.70 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.
કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, જેમાં યુવાને આરોપ મૂક્યો છે કે વિઝા પ્રક્રિયાના નામે તેને ધોખાધડીનો ભોગ બનાવવામાં આવ્યો.
યુવાને શું ફરિયાદ કરી?
ફરિયાદી દર્શન વિનોદભાઈ પટેલ (રહે. કંડારી, સ્વામીનારાયણ ખડકી, કરજણ-વડોદરા) એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તે ITI માં ઈલેક્ટ્રીશિયનનો અભ્યાસ કરી ચૂક્યો છે અને વર્ષ 2009માં અભ્યાસ વિઝા મેળવી લંડન ગયો હતો. તે 2014માં પરત આવ્યો અને કોરોનાકાળ પછી કેનેડા જવાનું વિચારી રહ્યું હતું.
ત્યાં જ તેના પિતરાઈ બહેન દિવ્યાંગીનીબેને તેને જણાવ્યું કે, કેનેડા માટે વિઝીટર ટુ વર્ક પરમિટ વિઝા મળતો હોય છે અને તેનું કામ તેનો દિકરો ધ્રુવકુમાર પટેલ કરે છે.
આવી હતી ઠગાઈની શરૂઆત…
- ધ્રુવકુમારે યુવાનને કેનેડા વિઝા પ્રોસેસ માટે વિશ્વાસમાં લીધો અને કહ્યું કે, વિઝા ચોક્કસ મળી રહેશે.
- યુવાને તબક્કાવાર મોટી રકમ રોકડ અને ઓનલાઈન પેમેન્ટથી ચૂકવી.
- ધ્રુવે લગ્નપ્રસંગે કેનેડાથી પરત આવતા ફરી વિશ્વાસ અપાવ્યો કે વિઝા પ્રોસેસ થઈ ગયું છે.
- પછી જણાવવામાં આવ્યું કે, વર્ક પરમિટ વિઝામાં સમસ્યા છે, હવે બિઝનેસ વિઝા માટે પેમેન્ટ કરવું પડશે.
- વિઝાની રકમ ઉપરાંત, દિલ્હીની ફ્લાઈટ ટિકિટ પણ મોકલવામાં આવી.
ઠગાઈનો ભાંડો કઈ રીતે ફૂટ્યો?
યુવાને શંકા જતા એરલાઈન્સના કસ્ટમર કેરે ફોન કરીને માહિતી મેળવી, તો જાણવા મળ્યું કે ટિકિટ જ ખરીદવામાં આવી જ નહોતી!
જ્યારે તેણે ધ્રુવને આ બાબત જણાવી, ત્યારે ધ્રુવે કહ્યું કે,
“આ ટિકિટ ખરેખર નથી, પણ વિઝા માટે એમ્બેસીમાં મુકવા ખોટી ટિકિટ બનાવી છે.”
આ ઘટનાને પગલે યુવાને ફાઈલ બંધ કરાવવા અને પોતાની રકમ પરત માંગવા કહ્યું, પરંતુ તે પૈસા પાછા મળ્યા નહીં.
2.70 કરોડ રૂપિયાની છેતરપિંડી – ફરિયાદ દાખલ!
આ મામલે યુવાને કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, જેમાં ધ્રુવ ગૌરાંગભાઈ પટેલ, દિવ્યાંગીનીબેન ગૌરાંગભાઈ પટેલ અને મનાલીબેન દીપકકુમાર પટેલ (તમામ રહે. માંજલપુર, વડોદરા) સામે ગુનો નોંધાયો છે.
હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, અને વિઝા ઠગાઈના આ કેસમાં વધુ ખુલાસા થતા નવો ચકચાર મચી શકે છે.
અહેવાલ: ગુજરાત બ્યુરો