કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે માણેકવાડામાં ખેડૂતો સાથે સીધો સંવાદ साध્યો

કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયના મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજ રોજ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે રહ્યા. કેશોદ તાલુકાના માણેકવાડા ગામમાં તેમણે પ્રગતિશીલ ખેડૂત વાલાભાઈ લખમણભાઈ ડાંગરના ખેતરની મુલાકાત લઇ ખેતીની નવા મોડલ પદ્ધતિઓની સમજ મેળવી. ખાસ કરીને મગફળીના પ્રજનક બીજ ઉત્પાદન અંતર્ગત ગિરનાર-૪ પ્રકારની વાવેતર પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.

મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીએ આસપાસના ગામોના ખેડૂત મિત્રો સાથે ઊંડો સંવાદ પણ કર્યો. ખેડૂતોએ પોતાના પ્રશ્નો, વિચારો અને સૂચનો મંત્રીશ્રી સમક્ષ મૂક્યા અને તેમના પ્રશ્નોનો પ્રતિસાદ પણ મેળવ્યો.

મંત્રીએ ખેતીમાં ટેક્નોલોજી કેવી રીતે વધારો કરે છે તે જોવા માટે બાઈક સ્પ્રે ફોમથી દવા છાંટવાની અને ડ્રોનથી દવા છાંટવાની પદ્ધતિનું જીવંત પ્રદર્શન પણ નિહાળ્યું.

આ પ્રસંગે “ડ્રોન દીદી” તરીકે ઓળખાતી શ્રેયાબેન મનીષભાઈ આચાર્ય પણ હાજર રહ્યા હતા. શ્રેયાબેન હાલમાં ઇવનગર સ્થિત મગફળી સંશોધન કેન્દ્રમાં ફરજ બજાવે છે. તેમણે મંત્રીએ સાથે ખુલીને સંવાદ કર્યો હતો અને ટેક્નોલોજી આધારિત ખેતીના સંદર્ભમાં ચર્ચા કરી હતી.

આ મુલાકાત દરમિયાન કેશોદ તાલુકા પંચાયત પ્રમુખ, નાયબ કલેક્ટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માણેકવાડા ગામના સરપંચ તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી ડો. ચોવટિયા અને ડો. પાનસુરીયા સહિત મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:
નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ