કેશોદના પીપળીધાર ખાતે આવેલા શ્રી રામમંદિરના પટાંગણમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણભાઈ તોગડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી રણછોડભાઈ ભરવાડ, પ્રાંત મેનેજમેન્ટ વિભાગના નિર્મળસિંહજી, પંચાંલા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ઘનશ્યામદાસ સ્વામી, કેશોદના પ્રભારી સુરેશ કુંભાણી, હિન્દૂ યુવા સંગઠન કેશોદના પ્રમુખ રજની બામરોલીયા સહિત વેપારી અગ્રણી અને અનેક હિન્દૂ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ તબક્કામાં મહિલાઓ દ્વારા પરંપરાગત કુમકુમ તિલકથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં શ્રી રામમંદિર દર્શન અને ગૌશાળાની મુલાકાતે પૂજનીય વિધિઓ યોજાઈ હતી. ત્યારબાદ સ્વાગત સમારંભમાં પ્રવીણભાઈ તોગડીયાએ અધ્યક્ષસ્થાનેથી હિન્દૂ સમાજના લોકો સાથે સીધી સંવાદિતા સાધી હતી.
તેમણે હાજર સમાજને ગલિયે-ગલિયે અને સેરીએ-સેરીએ હનુમાનચાલીસાના પાઠ કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ તેમણે હિન્દૂ એકતા, સંગઠનની આવશ્યકતા તથા સમાજના સર્વાંગી વિકાસ માટે આગળ વધવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
વિશેષમાં પ્રવીણભાઈ તોગડીયાએ જણાવ્યું કે, હવે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ માત્ર ધાર્મિક મુદ્દાઓ પૂરતી મર્યાદિત નહીં રહે પરંતુ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ, શિક્ષણ અને રોજગારલક્ષી કામગીરી માટે પણ દેશભરમાં હિન્દૂ સમાજને સશક્ત બનાવવા માટે કાર્ય કરશે.
કાર્યક્રમ દરમ્યાન ગામ-ગામના હિન્દૂ ભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્થળે ભારે ઉત્સાહભેર માહોલ સર્જાયો હતો.
રિપોર્ટર : જગદીશ યાદવ, જૂનાગઢ