કેશોદ
કેશોદ તાલુકાનાં અગતરાય ગામેથી મોવાણા જવાના રાજમાર્ગ પર ડામર રોડ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવેલ ત્યારથી વિવાદાસ્પદ રહેલ છે. અગતરાય ગામેથી મોવાણા જવાના રાજમાર્ગ પર જુનવાણી ગાડા માર્ગ ની ગારી હયાત હતી જયારે રોડનું કામ મંજુર થતાં કામ રાખનાર એજન્સી દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવેલ ત્યારે રાજમાર્ગ ની મધ્ય રેખા થી પહોળાઈ બન્ને બાજુ સરખી રાખવાને બદલે જોહુકમી અને મનમાની ચલાવી નિર્દોષ ખેડૂતોના બિનજરૂરી શેઢા ખોદી નાખ્યાં હતાં અસરકર્તા ખેડૂતો ની રજુઆત ધ્યાને લેવામાં આવી નહોતી ઉપરાંત જવાબદાર કચેરી દ્વારા પણ આખ આડા કાન ધર્યા હતા.
હાલમાં અગતરાય ગામેથી મોવાણા ગામે જવાના રાજમાર્ગ પર ડામર રોડ નું કામ અધુરું રાખતાં ખેડૂતો પશુપાલકો ચોમાસામાં હેરાન પરેશાન થઈ રહ્યાં છે. કેશોદના અગતરાય ગામેથી મોવાણા ગામે જવાનો રસ્તો અધુરો રાખતાં ખેતીકામ માટે ખેતરમાં આવવા જવામાં પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. કેશોદના અગતરાય ગામેથી મોવાણા જવાના રાજમાર્ગ પર આવેલા ત્રણસોક જેટલાં ખેડૂતો અને પશુપાલકો રજુઆત કરી કરીને ધીરજ ગુમાવી ચુક્યા છે ત્યારે નજીકના દિવસોમાં બળદગાડા જોડીને જવાબદાર કચેરીએ ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે. અગતરાય ગામેથી મોવાણા ગામે જવાનો રસ્તો તૈયાર કરવામાં આવે તો આસપાસના ગ્રામ્ય વિસ્તારના રહીશો, વાહનચાલકો અને ખેડૂતો ને ઉપયોગી અને સુવિધાસભર બની શકે તેમ છે ત્યારે જવાબદાર તંત્ર અને પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ હકારાત્મક અભિગમ અપનાવી અધુરું રસ્તાનું કામ પુરું કરાવશે કે એકબીજાને ખો આપશે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે…
અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)