કેશોદના ગાંધીનગર પાસે રેલ્વે ગરનાળા પાસે રાત્રે બનતી આકસ્મિક ઘટનાઓ તંત્ર કયારે જાગશે..

કેશોદ

કેશોદના ચારચોક વિસ્તારમાં રેલ્વે અંડરબ્રીજ નું કામ ચાલતું હોય પૂર્વ તરફથી શહેરમાં આવવા જવા માટે રાહદારીઓ અને વાહનચાલકો ગાંધીનગર રેલ્વે ગરનાળાની નીચેથી પસાર થાય છે ત્યારે સામસામે વાહનો આવી જતાં આકસ્મિક ઘટનાઓ બને છે. ગઇકાલે સમગ્ર દેશ અને વહીવટી તંત્ર વૃધ્ધ દિવસ ઉજવી રહ્યો હતો અને સોશ્યલ મીડિયામાં વાહવાહી મેળવી રહ્યો હતો ત્યારે કેશોદના એક વૃદ્ધ હાથ લારીમાં બટેટા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે તેઓ ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે ઉતાવળીયા નદી કાંઠે ટ્રાફિક જામ થવાની સાથે કર્કશ હોર્નના અવાજો વચ્ચે અંધારામાં રેકડી સાઈડમાં લેવામાં કાબુ ન રહેતાં રેકડી દડવા લાગતાં ઉતાવળીયા નદીમાં પડી જતાં વૃધ્ધ પણ પાણીમાં પડી ગયા હતાં અને બટેટા પણ તણાઈ ગયા હતા ત્યારે પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકો એ ભેગાં થઈ વૃધ્ધને હેમખેમ બહાર કાઢયા હતાં. કેશોદમાં રેલ્વે અંડરબ્રીજ નું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે પોલીસ ઈન્સપેકટર બી બી કોળી દ્વારા ગર્લ્સ હાઈસ્કૂલ પાસેથી વેરાવળ જુનાગઢ હાઈવે પર આવવાનું અને પાનદેવ સમાજ પાસેથી પૂર્વ ભાગમાં જવાની વ્યવસ્થા ગોઠવી જીઆરડી હોમગાર્ડ નો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કેશોદના ગાંધીનગર રેલ્વે ગરનાળાની બાજુમાં થી વાડી વિસ્તારમાં થઈ વાસાવાડી રામદેવ પીર મંદિર તરફ જવાનો કાચો રસ્તો છે ત્યારે સ્થાનિક નગરપાલિકા દ્વારા વ્યવસ્થિત રોડ બનાવી આપવામાં આવે તો અડધોઅડધ ટ્રાફિક ઘટી શકે એમ છે. તાજેતરમાં નવરાત્રી મહોત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કડકાઈથી પૂર્વવત વ્યવસ્થા કરવામાં આવશે નહિ તો આકસ્મિક ઘટનાઓ બનવાનો સીલસીલો અટકશે નહિ.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)