કેશોદના નોઝણવાવ ગામનાં ખેડુતોએ તંત્ર સમક્ષ સહાયની માંગણી કરી…

કેશોદ

કેશોદ પંથકમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે ત્યારે નોઝણવાવ ગામનાં ખેડૂતો દ્વારા લેખિતમાં નાયબ કલેકટર અને મામલતદાર સમક્ષ આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે ખેતરોમાં મગફળી સોયાબીન નો પાક તૈયાર થઈ ગયો હતો એવામાં કમોસમી વરસાદ પડતાં પાકને ભારે નુકશાન થયું છે અને ઘાસચારો પણ બગડી ગયો છે. ખેડૂતો ની મહેનત માથે પડી છે અને બિયારણ દવા ઉપરાંત ખેતમજૂરી ની રકમ કમોસમી વરસાદ સાથે ધોવાઈ જતાં ખેડૂતો દેવદાર બની ગયા છે જેથી સરકાર દ્વારા અમોને સહાય ચુકવવામાં આવે એવી રજુઆત કરી હતી. કેશોદના નોઝણવાવ ગામનાં ખેડૂતો દ્વારા શિયાળું પાક લેવા માટે જરૂરી વહીવટી પ્રક્રિયા ઝડપથી પુર્ણ કરવામાં આવે તો ખેડૂતો પોતાના ખેતરમાં બગડી ગયેલ મગફળી સોયાબીન દુર કરી શકે એ માટે પણ નાયબ કલેકટર અને મામલતદાર ને મૌખિક રજુઆત કરી હતી. કેશોદના નોઝણવાવ ગામનાં દોઢસો જેટલાં અસરગ્રસ્ત ખેડૂતો કેશોદ તાલુકા સેવા સદન ખાતે દોડી આવી જવાબદાર અધિકારીઓ સમક્ષ પોતાની આપવીતી રજુ કરી તાત્કાલિક અસરથી સહાય આપવા માંગણી કરી હતી. કેશોદના નાયબ કલેકટર અને મામલતદાર દ્વારા નોઝણવાવ ગામનાં ખેડૂતો ની લાગણી અને માંગણી સરકાર સુધી પહોંચાડી આપવાની ખાત્રી આપી હતી. કેશોદ પંથકમાં છેલ્લાં પંદર દિવસથી પડતાં છુટા છવાયા ભારે અતિભારે વરસાદને કારણે ખેડૂતો ને નુકસાની વેઠવાની પરિસ્થિતિ નિર્માણ થયેલ છે ત્યારે રાજય સરકાર દ્વારા આર્થિક સહાય આપી ખેડુતોને આર્થિક બોજામાં થી મુક્ત કરવામાં આવે છે કે કેમ એ તો આવનારા દિવસોમાં ખબર પડશે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)