
કેશોદ (જિલ્લો જૂનાગઢ):
કેશોદ તાલુકાના હાડલા ગામની ગૌચર જમીન પરથી ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવી રહ્યું હોવાની ગુપ્ત માહિતી મળતાં કેશોદ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. કન્ટ્રોલરૂમમાંથી મળેલી જાણકારીના આધારે PI શ્રી જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
સ્થળ પર તપાસ દરમ્યાન એક JCB મશીન અને એક ટ્રેક્ટર દ્વારા ગૌચર જમીનમાંથી ખનન કરવામાં આવી રહ્યું હતું, જેને પોલીસે તાત્કાલિક કબ્જે લેતાં ખાણ ખનીજ વિભાગ જૂનાગઢને જાણ કરવામાં આવી હતી. હાલ આ ઘટનાની વધુ તપાસ અને આગળની કાયદેસર કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલા JCB અને ટ્રેક્ટર સહિતનો કુલ મુદામાલ અંદાજે રૂ. 25 લાખનો હોવાનું જાણવા મળ્યું છે.
અગાઉ પણ આવા પ્રકારના ગેરકાયદેસર ખનનના કેસો સામે આવતા રહ્યા છે, છતાં કેટલાક તત્વો ગૌચરની સંપત્તિ પર અવાનિત દ્રષ્ટિ રાખી ખનન કરતા હોય છે. પોલીસ અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત કાર્યવાહીથી આવા કૃત્યો પર અંકુશ આવવાની શક્યતા છે.
અહેવાલ: રાવલિયા મધુ, કેશોદ