ખેડબ્રહ્મા ખાતે બિલાડીના ટોપની જેમ બજારોમાં ફટાકડાની ખુલતી હાટડીઓ, તંત્રના આંખ આડા કાન

સાબરકાંઠા

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે તેવા સમયે ખેડબ્રહ્માના બજારોમાં ફટાકડાના સ્ટોલ નાખવા માટે હંગામી લાયસન્સ આપી જાહેર હરાજી દ્વારા ચોક્કસ જગ્યા ફાળવી આપવામાં આવે છે જે જગ્યા ભીડભાડ રહીત અને નુકશાન કારક ન હોય તેનું ધ્યાન આપવામાં આવે છે. મળતી માહિતી મુજબ ફટાકડાના આવા સ્ટોલ નાખવા માટે શીત કેન્દ્રની સામે આવેલ નગરપાલિકાની જગ્યા ફાળવી આપવામાં આવે છે પરંતુ ફાળવેલ જગ્યા સિવાય બજારોમાં ખુંણે ખાચરે, ભીડભાડવાળી જગ્યાએ આવા કહેવાતા ફટાકડાના સ્ટોલ ઉભા કરી જાહેર હરાજીના નિયમોની ઐસીતૈસી કરી તેના ધજાગરા ઉડાવી રહ્યા હોય તેવું નજરે દેખાઈ રહ્યું છે. આ સિવાય સ્ટોલ ઉપર મર્યાદિત જથ્થા સિવાયનો વધુનો માલ રાખી લોકોની જાનમાલની સલામતી જોખમમાં મુકી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે, ઉપરાત આવા મોટા ફટાકડાના નાખવામાં આવેલ સ્ટોલ ઉપર કોઈ પણ જાતના ફાયરસેફ્ટીના સાધનોની કોઈજ વ્યવસ્થા નહીં હોવાના કારણે ભવિષ્યમાં થનાર અજુગતી ઘટનામાં કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની, તેવા પ્રશ્નો લોકોના મુખે ચર્ચાઈ રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે આ બાબતે લગત તંત્ર શું પગલાં લેશે તે તો સમય જ બતાવશે

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)