સાબરકાંઠા
નાના અંબાજી તરીકે પ્રખ્યાત અને બ્રહ્માજીના ઉત્પતિ સ્થાન એવા ખેડબ્રહ્મા ખાતે અનેક પૌરાણિક ધાર્મિક મંદિરો આવેલા છે અને મંદિરો સાથે ખેડબ્રહ્માનો ઐતહાસિક નાતો જોડાયેલો છે તેવા ખેડબ્રહ્મા ખાતે હાઈકોર્ટના હુકમ સંદર્ભે મંદિરો તોડવાની કાર્યવાહી પ્રશાસન દ્વારા થવાની છે જે વાતને લઈને સાધુ સંતો તથા ધર્મ પ્રેમી જનતામાં આક્રોશ વ્યકત થયો છે અને તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે તેવા સંજોગોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખેડબ્રહ્મા નાયબ કલેકટરને આવેદન પત્ર આપવાની ફરજ પડી છે.
ખેડબ્રહ્મા શહેર ખાતે આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ નાયબ કલેકટર કચેરીએ પહોંચી આવેદન પત્ર આપી તેનો વિરોધ કર્યો હતો. હજારો લોકો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે અને ભક્તોની ધાર્મિક લાગણી અને આસ્થા તેની સાથે જોડાયેલ હોય છે તેવા સમયે આસ્થાના પ્રતીક સ્વરૂપે મંદિરો તોડવાની કાર્યવાહી બંધ કરવા અને તેની પુનઃ વિચારણા કરવા આવેદન આપી વિનંતી કરી અરજ કરી હતી.. મંદિરને હંમેશા આસ્થાના કેન્દ્ર સ્વરૂપે અને હકારાત્મક શક્તિના સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે. જયાં મંદિર ફરજિયાત પણે તોડવું પડે તેવા સમયે વૈકલપિત વ્યવસ્થા કરી મંદિરનું મહત્વ જળવાઈ રહે અને આસ્થા પણ જળવાઈ રહે.
અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ, (ખેડબ્રહ્મા) સાબરકાંઠા