ખેતી ધંધો નહી ધર્મ છે અને ખેડૂતોની આવક વધારવા પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ’’ હોવાનો સંદેશ આપતા પ્રાકૃતિક ખેતીના ગાંધી તરીકે જાણીતા સ્વ.શ્રી ભાસ્કર સાવે

ખેરગામ

‘‘ખેતી ધંધો નહી ધર્મ છે અને ખેડૂતોની આવક વધારવા પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિક્લ્પ’’ હોવાનો જીવન સંદેશ આપી આજથી ૬૪ વર્ષ પહેલા ૧૯૬૦માં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામમાં ‘‘કલ્પવૃક્ષ’’ ફાર્મના નામથી ૧૫ એકર જમીન પર પ્રાકૃતિક ખેતીનો સૂર્યોદય ભાસ્કર સાવેએ કર્યો હતો. પાંચ સિધ્ધાંતોને આધીન પ્રાકૃતિક ખેતીની જ્યોત જલાવનાર ભાસ્કર સાવે આજે હયાત નથી પરંતુ છ દાયકા બાદ આજે પણ ભારત અને વિશ્વભરના ૫૦ થી ૬૦ જેટલા દેશના કૃષિ વૈજ્ઞાનિકો, અણુશાસ્ત્રી, ખેડૂતો, પ્રોફેસરો, ડોકટરો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ દર વર્ષે હજારોની સંખ્યામાં કલ્પવૃક્ષ પ્રાકૃતિક ખેતી ફાર્મમાં પ્રાકૃતિક ખેતીના સિધ્ધાંતોને સમજવા આવી રહ્યા છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની રાહબરી હેઠળ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપન્દ્રભાઈ પટેલ અને રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પણ ખેડૂતોને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં આવી રહ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતીના પ્રેરક, પૂરક અને પ્રણેતા સ્વ. ભાસ્કર સાવે પ્રાકૃતિક ખેતીના ઋષિ તરીકે ઓળખાય છે. જાપાનમાં કુદરતી ખેતીના પિતા તરીકે જાણીતા માસાનોબુ ફુકુઓકા નેચરલ ફાર્મિંગનો પોતાનો વારસો એવા ખેડૂતને આપવા માંગતા હતા કે જે રસાયણ મુક્ત ખેતી કરતા હોય જે માટે તેઓ ભારતમાં ત્રણ વાર ભ્રમણ કરવા આવ્યા હતા અને ત્રીજી વાર તેમની મુલાકાત ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના ભિષ્મપિતા તરીકે જાણીતા ભાસ્કરભાઈ સાવે થઈ હતી. વર્ષ ૧૯૯૭માં તેમની ખેતી જોઈને એટલું જ કહ્યું હતું કે, આ તો મારા કરતા પણ સારી ખેતી કરે છે અને મુંબઈમાં બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ થઈ તેમાં તેમણે ભાસ્કર સાવેની ઓળખ પ્રાકૃતિક ખેતીના ભારતના ‘‘ગાંધી‘‘ તરીકે આપી હતી. વર્ષ ૨૦૧૫માં ૯૩ વર્ષની જૈફ વય સુધી તેઓ આપણી વચ્ચે હતા પરંતુ તેમણે આપેલો પ્રાકૃતિક ખેતીનો જીવન સંદેશ તેમના દીકરા નરેશભાઈ અને સુરેશભાઈ તેમજ દીકરી વત્સલાબેન અને સુરેખાબેન તેમજ હાલની ત્રીજી પેઢીમાં પૌત્ર અભિજય સુરેશ સાવે વારસો આગળ વધારી પ્રાકૃતિક ખેતીને દેશ -વિદશમાં ગુંજતી કરી રહ્યા છે.

ભાસ્કરભાઈએ જલાવેલી પ્રાકૃતિક ખેતીની મશાલને આજે પણ ઝળહળતી રાખનાર તેમના ૭૨ વર્ષીય પુત્ર નરેશભાઈ સાવે સાથેની મુલાકાતમાં તેમણે પિતાશ્રી ભાસ્કર સાવેએ આપેલા પાંચ સિધ્ધાંતો ખેડ, ખાતર, પાણી, નિંદામણ અને પાકસરંક્ષણની વાત કરી હતી. ખેડ એટલે અળસિયા પોતાનો ખોરાક મેળવવા જમીન ઉપર આવે છે અને જીવ બચાવવા પાછા જમીનની અંદર જાય છે આમ, ૨૪ કલાકમાં ૧૦ વાર ઉપર નીચે અવર જવર કરવાથી જમીન ખેડ થતી જાય છે અને છોડના મૂળમાં રહેલા તંતુને પણ અસર થતી નથી. ખાતર તરીકે ઝાડના પાન, ફૂલ, ફળ અને બી ઉપયોગી છે. બપોરેના ૧૨ વાગ્યા પછી સૂર્યપ્રકાશના તાપ દ્વારા વનસ્પતિને પાણી આપવામાં આવે છે. વનસ્પતિને પાણી નહીં ભેજની જરૂર છે. પાણીના ભેજને જાણવા માટે વોટર ઈન્ડીકેટર તરીકે ક્રોટોન વૃક્ષ પણ ઉપયોગી છે. તેના મૂળ ૬ થી ૯ ઈંચ ઉંડા હોય છે. ‘‘સહયોગ હી પ્રકૃતિ કા સિધ્ધાંત હે’’ એમ કહી નરેશભાઈ ચોથા તત્વ નિંદામણ વિશે કહે છે કે, નિંદામણ એ વરદાન છે. નિંદામણનો નાશ નહીં પણ નિયંત્રણ કરવાની જરૂર છે. છોડના મૂળને અંધકાર, ભેજ અને હવા જોઈએ છે તે નિંદામણ પૂરા પાડે છે. પાંચમાં તત્વ વિશે કહે છે કે, જીવો જીવનસ્ય જીવનમ અર્થાત એક જીવ બીજા જીવને ખાય છે. આ જીવ સૃષ્ટિટમાં ૧૨ લાખ ૫૦ હજાર જીવ છે જેમાંથી ૯૯ ટકા જીવો ખેડૂતોના મિત્ર છે માત્ર એક ટકા જીવ પાકને ખાનારા છે.

પ્રાકૃતિક ખેતી નવનિર્માણ હોવાનું જણાવી નરેશભાઈ વધુમાં કહે છે કે, પિતાજી શિક્ષક તરીકે નોકરી કરતા હતા પરંતુ નોકરી છોડી કુદરત સાથે નાતો જોડ્યો હતો. શરૂઆતમાં ૧૯૫૧થી રાસાયણિક ખાતરથી ખેતી કરી હતી સાથે રાસાયણિક ખાતરની એજન્સી પણ હતી પરંતુ ૧૯૫૭માં ભારે નુકશાન ગયું. સંશોધન બાદ તેમણે શોધી કાઢયું કે, ખેતીની જમીનમાં કંઈ ખોટ નથી. ખેતી પદ્ધતિનો વાંક છે. તેમણે જંગલો તરફ નજર દોડાવી ‘‘જીવો અને જીવવા દો’’ના કુદરતી ચક્રની સમજણ મેળવી. ખેડ, ખાતર કે સિંચાઈ વગર જંગલોમાં ઝાડ-છોડ વિકસી શકતા હોય તો ખેતરમાં કેમ નહી? આ વિચાર સાથે તેમણે ૧૯૬૦થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. કુદરત પોતે જ પોતાના સર્જનનું સંવર્ધન કરે છે. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી તેમણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત તો કરી પણ પહેલા વર્ષે જ તેમની ઉપજ અડધી થઈ ગઈ. જો કે, નફો વધી ગયો. પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો હોવાથી આવક વધે છે. ત્યારબાદ ૧૯૬૦થી રાસાયણિક ખાતર, જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના તેમજ ખેતર ખેડયા વિના પોતાની જમીનને પ્રયોગશાળા માની પ્રાકૃતિક ખેતીના અનેક અખતરા કર્યા જેમાં સફળતા મળતા તેમણે દેશ-વિદેશના ખેડૂતો અને સંશોધકોનું પોતાના તરફ ધ્યાન ખેંચ્યુ હતું. હાલ તેમના ૧૫ એકરના કલ્પવૃક્ષ ખેતરમાં ચીકુના ૨૫૦ ઝાડ, નાળિયેરીના ૩૫૦, સોપારીના ૭૦૦, કેળાના ૧૦૦૦ અને કેરીના ૧૦ ઝાડ છે જ્યારે ૩૦ એકરના સોનાલી ફાર્મની જમીન પર ચીકુના ૧૧૦૦, આંબાના ૬૦૦, નાળિયેરી ૬૫૦ અને સોપારીના ૨૦૦૦ ઝાડ છે. આ સિવાય એવોકાડો, લક્ષ્મણ ફળ, પપનસ જેવા અનેક ફળની પણ ખેતી કરી રહ્યા છે. હાલની તેમની ત્રીજી પેઢી સૂકા નાળિયેરમાંથી તેલ કાઢી મૂલ્યવર્ધિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આમ, વર્ષે કુલ મળી રૂ. ૧૪ લાખની આવક આરામથી ઘરબેઠા મળી રહે છે.

રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે ત્યારે હાલમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં કરાયેલા એમઓયુ અંગે નરેશભાઈ સાવેએ જણાવ્યું કે, ભાસ્કર સાવે નેચરલ ફાર્મિંગ ટ્રેનિંગ સેન્ટર, ઉમરગામ અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ, પંચમહાલ સાથે જે થયેલા એમઓયુમાં વિદ્યાર્થી- ફેકલ્ટીઓની વિઝિટ, તાલીમ અને સંશોધન, સંયુક્ત રિસર્ચની પ્રવૃતિ, માહિતી અને મટીરીયલ્સનું આદાનપ્રદાન, સેમિનાર, કોન્ફરન્સ અને વર્કશોપમાં ભાગ લેવુ અને એકેડેમિક પ્રોગામનું આયોજન કરવુ મુખ્ય બાબતનો સમાવેશ કરાયો છે.

ખેતીની હરતી-ફરતી યુનિવર્સિટી તરીકે જાણીતા શ્રી ભાસ્કરભાઈ સાવેએ પ્રાકૃતિક ખેતીને વિશ્વભરમાં ગાજતી કરી વલસાડ જિલ્લાનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર જળહળતુ કર્યુ હતું. તેમને ૧૯૯૩ થી ૨૦૧૦ સુધી કુલ ૨૩ જેટલા એવોર્ડ અને માન સન્માન રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે મળ્યું હતું. જેમાં મુખ્યત્વે દેશ-વિદેશના ખેડૂતોને પોતાના અનુભવોનું ભાથુ વહેંચવા બદલ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોડર્સમાં નામ નોંધાયું હતું. જર્મનીમાં મળેલો વન વર્લ્ડનો લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, દેશના ઉપરાષ્ટ્રપતિના હસ્તે જમનાલાલ બજાજ એવોર્ડ, કૃષિ ભૂષણ પુરસ્કાર અને મહારાષ્ટ્ર સરકારના ગોડ ફાધર ઓફ ઓર્ગેનિક ફાર્મિંગ સહિતના એવોર્ડ મેળવ્યા છે. જે તેમની પ્રાકૃતિક ખેતીમાં સફળ ખેડાણની ગાથા વર્ણવે છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલે પણ તેમને બિરદાવ્યા હતા.

સામાન્ય પણે એવુ બનતુ હોય છે કે, ખ્યાતનામ લોકો પોતાની આત્મકથા લખતા હોય છે પરંતુ ભાસ્કર સાવે એવુ વિરલ વ્યકિતત્વ હતુ કે, તેમના જીવન ઉપર અને પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગો તેમજ સિધ્ધાંતો અને ખેતી પધ્ધતિ પર અનેક લોકોએ પુસ્તકો પણ લખ્યા છે અને ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી છે. જેનામાંથી આજે પણ દેશ વિદેશના લોકો પ્રેરણા મેળવી પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવી રહ્યા છે. તેમના પર લખાયેલા પુસ્તકોમાં નૈસર્ગિક ખેતી પુરસ્કર્તે, નિરોગી જીવન ઔર સમૃદ્ધિ કા માર્ગ, ધ ગ્રેટ એગ્રિકલ્ચર ચેલેન્જ અને ધ વિઝન ઓફ નેચરલ ફાર્મિંગ મુખ્યત્વે છે. જ્યારે ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘‘The worm is turning’’ અને ‘‘The Gandhian way’’ પથદર્શક છે.

પ્રાકૃતિક ખેતીના ગાંધી તરીકે જાણીતા ભાસ્કર સાવે પાસેથી ૧૦ હજારથી વધુ ખેડૂતોએ પત્રો લખી માર્ગદર્શન મેળવ્યું હતુ અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા. તેમની પાસે ખેડૂતોના જે પ્રશ્નો આવતા હતા અને ખેતીમાં પોતાના અનુભવમાંથી ઉપસ્થિત થયેલા મહત્વના ૩૦ પ્રશ્નો અંગે તા. ૯ ઓક્ટોબર ૨૦૦૬ના રોજ ન્યૂ દિલ્હી સ્થિત મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચરના નેશનલ કમિશન ઓન ફાર્મર યુનિયનના ચેરપર્સન એમ.એસ.સ્વામીનાથનને પત્ર લખ્યો હતો. જેમાંથી કેટલાક પ્રશ્નો અંગે તેમણે સંમતિ પણ દર્શાવી હતી.

વૃક્ષ મંદિરના અભિયાનમાં પણ પ્રાકૃતિક ખેતીને જોડી હતીસ્વ. ભાસ્કર સાવે સ્વાધ્યાય પરિવાર સાથે વર્ષોથી જોડાયા હતા. તેમણે સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી સાથે વર્ષ ૧૯૯૬, ૧૯૯૭ અને ૧૯૯૮માં ૩ વાર મુલાકાત કરી વૃક્ષ મંદિરની પહેલ કરી હતી તેમાં પણ પ્રાકૃતિક ખેતી પધ્ધતિનો ઉપયોગ કરવા માટે શ્રી સાવેએ ચર્ચા કરી હતી. જેને પગલે જ્યાં પણ વૃક્ષ મંદિર હોય ત્યાં હાલમાં પણ પ્રાકૃતિક ખેતીથી વૃક્ષનો ઉછેર થાય છે.

અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)