ખેરગામ તાલુકાના નાંધઈ ગામની પ્રાથમિક શાળાની વધુ એક સિધ્ધિ .

ખેરગામ

નવસારી જિલ્લામાં શાળાઓ વચ્ચે સક્ષમ અને સ્વચ્છ શાળા એવોર્ડ અંતર્ગત હરિફાઈ યોજાઈ હતી.જે અંતર્ગત શાળાના તમામ પાસાંઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં નાંધઈ પ્રાથમિક શાળાએ સમગ્ર નવસારી જિલ્લામાં બીજો ક્રમ મેળવી રૂ. 31000/- નું ઈનામ પ્રાપ્ત કરેલ છે.આજ વર્ષે ધોરણ-5 માં લેવાયેલ CET પરીક્ષામાં 20 બાળકોએ રાજ્યના મેરીટ ક્રમમાં સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું .મેરીટમાં આવનાર દરેક વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધી રૂ. 36000/- ની શિષ્યવૃત્તિ મળશે.આમ, નાંધઈ પ્રાથમિક શાળા ખેરગામ તાલુકામાં CETના મેરીટમાં સૌથી વધુ વિદ્યાર્થી દ્વારા સમગ્ર તાલુકામાં પ્રથમ નંબર મેળવી અનોખી સિધ્ધિ પ્રાપ્ત કરેલ છે. ઉપરાંત કલા ઉત્સવમાં પણ શાળાએ તાલુકામાં સંગીત તથા બાળકવિ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. અને હવે જિલ્લા કક્ષાએ ખેરગામ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.

નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં ખાનગી શાળામાંથી 44 બાળકોએ આ શાળામાં પ્રવેશ લીધો છે.જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં નાંધઈ પ્રાથમિક શાળાએ ગુણોત્સવમાં A+ ગ્રેડ મેળવ્યો છે. શાળાની આ સિધ્ધિ માટે શાળાનો તમામ સ્ટાફ અને બાળકોનો ખુબ મોટો ફાળો છે.

અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)