ખેરગામના નાંધઈ મુખ્ય પ્રાથમિક શાળામાં આનંદમેળા યોજાયો.

ખેરગામ:ખેરગામ તાલુકાના નાંધઈ ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં આનંદમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.પૂર્વ આયોજન મુજબ સ્ટોલ પર બાળકો પોતપોતાની વાનગીઓ સાથે ગોઠવાયા હતા.ત્યારબાદ શાળા એસ.એમ.સી.ના અધ્યક્ષશ્રીના હસ્તે રિબિન કાપી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. આ આનંદમેળામાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મનિષભાઈ પરમાર, બી.આર.સી. કોઓર્ડીનેટર વિજયભાઈ, બીટ નિરીક્ષક પ્રશાંતભાઈ તેમજ ખૂબ મોટી સંખ્યામાં ગામના વડીલો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા.બાળકોની ઘરે બનાવેલ વિવિધ વાનગીઓએ સૌના મોંમાં પાણી લાવી દીધું.આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં ઉદ્યોગશીલતા અને વ્યવસાયિક કુશળતા વિકસાવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વાનગીઓનું વેચાણ કરી બાળકોને વ્યવહારિક અનુભવ મળ્યો,

આ સાથે જ તેમને ટીમવર્ક અને સંવેદનશીલતા શીખવા મળી. આ મેળો માત્ર મજા માટે જ નહોતો, પરંતુ બાળ મનોરંજન અને કુશળતા માટેના પ્રતિક સમાન બની રહ્યો.આનંદમેળો માત્ર મજાની પળો જ નહીં, પણ તે વિદ્યાર્થીઓના વિકાસ માટેનો એક અદભૂત પ્રયત્ન હતો. સાથે જ આવા કાર્યક્રમ થકી બાળ વિકાસને એક નવો અભિગમ મળતો રહે છે. કાર્યક્રમ બાદ દરેક વિદ્યાર્થીઓએ પોતાનો ખર્ચ તથા થયેલ નફો કે નુકસાનની વિશે જણાવ્યું. શાળાના આચાર્યશ્રી તથા તમામ સ્ટાફની મહેનતથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

રિપોર્ટ :- અંકેશ યાદવ (ખેરગામ)