પેટા:વર્ષોથી વેણ ફળિયાની ગોચર જમીનમાં બજારનો કચરો ઠાલવતી ગ્રામ પંચાયત સામે લોકોએ કાયદાકીય જંગ ખેલ્યો હતો
ખેરગામ ગ્રામ પંચાયતની ડમ્પિંગ સાઇટ મુદ્દે આખરે હાર થઈ હતી.ખેરગામ બજાર વિસ્તારમાંથી નીકળતા દૈનિક ઘનકચરાનો વેણ ફળિયાની ગોચરની જમીન ઉપર નિકાલ કરાતો હતો.આ બાબતે વર્ષોથી સ્થાનિકો લડત આપતા હતા.જ્યાં ગ્રામ પંચાયતે કચરો નાંખી ડમ્પિંગ સાઇટ બનાવી દીધી હતી ત્યાંથી ૨૦થી ૧૦૦ મીટરના અંતરે વર્ષોથી રહેણાક વસતી આવેલી હતી. તેમ છતાં ખેરગામ ગ્રામ પંચાયત ગોચરની જમીનનો ઉપયોગ કરી સરકાર તથા સર્વોચ્ચ અદાલતના વિવિધ દિશાનિર્દેશોનું સરેઆમ ઉલ્લંઘન કરતાં સ્થાનિકોની ધીરજ ખૂટી ગઈ હતી.ગોચરની જમીન બ્લોક/સરવે નં.૧૧૪૮માં તમામ પ્રકારનો કચરો છૂટો પાડ્યા વિના નાંખવાનું શરૂ કરનારી ખેરગામ ગ્રામ પંચાયત સામે ખેરગામના વેણ ફળિયાના સુમિતકુમાર નવીનચંદ્ર પટેલે નવી દિલ્હીના પ્રધાનમંત્રી કાર્યાલય,ગાંધીનગર મુખ્યમંત્રીના કાર્યાલય,જિલ્લા કલેક્ટર કચેરી, ડીડીઓ,જિલ્લા પંચાયત કચેરી, ટીડીઓ, ખેરગામ તાલુકા પંચાયત,ખેરગામ મામલતદાર,પ્રાંત અધિકારી,નવસારી ગુજરાત પ્રદૂષણ બોર્ડ, તથા તલાટી કમ મંત્રી અને સરપંચને યોગ્ય કાર્યવાહી કરવા છેલ્લા એક વર્ષથી વારંવાર લેખિત તથા રૂબરૂ મુલાકાતો કરી હતી.સાથે ગામના અગ્રણીઓએ પણ લડત આપી હતી.વધુમાં સુમિતકુમાર પટેલે બે વાર મુખ્યમંત્રીને આ બાબતે વાકેફ કર્યા હતા.આથી મુખ્યમંત્રીએ નવસારી કલેક્ટરને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશો આપ્યા હતા.અને તેના પરિણામે અધિક કલેક્ટરે સુમિતકુમારને તા.૨૦.૧૧.૨૦૨૪ના રોજ નવસારી કચેરીએ રૂબરૂ બોલાવી ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા વેણ ફળિયાની ગોચરની જમીનમાં તા.૨૧.૧૧.૨૦૨૪ના રોજથી બંધ કરાવવાની ખાતરી આપી હતી.તા.૨૧.૧૧.૨૦૨૪થી ખેરગામ ગ્રામ પંચાયતને કચરો ન નાંખવા નિર્દેશો કરાયા હતા.આમ,ગેરકાયદે ડમ્પિંગ સાઇટ મુદ્દે સુમિતકુમાર પટેલની કાયદાકીય લડત આખરે રંગ લાવતાં વેણ ફળિયાના રહીશોમાં ભારે ખુશીનો માહોલ સર્જાયો હતો જેથી સુમિત કુમાર, તેમના પરિવાર અને વેણ ફળિયાના અગ્રણીઓનું ફળિયાના લોકોએ ફૂલહાર સાથે સન્માન કર્યું હતું.
રિપોર્ટ :- અંકેશ યાદવ , (ખેરગામ)